પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
ભીષણ યુદ્ધ અને વિજયલાભ

નિદ્રાનો પણ લોપ થયો. રાવ ખેંગારજીએ સાયબજીને જગાડ્યો અને છચ્છર તો તેમની રક્ષામાટે જાગતો જ બેઠો હતો એટલે ખેંગારજીએ પોતાના અદ્‌ભુત સ્વપ્નની કથા તેમને કહી સંભળાવીને પછી પૂછ્યું કે: "રાવળનું બળ ક્ષીણ થઈ ગયેલું હોવાથી આવતી કાલના યુદ્ધમાં તે આપણી સામે ટકી શકે તેમ નથી; તો જો તે આવતી કાલે આપણા હસ્તથી પરાજિત થાય, તો તેને મારી નાખવો કે ઉદારતાથી તેના અપરાધોની ક્ષમા આપીને જીવતો જ આ દેશમાંથી હાંકી કાઢવો? તેનાપર માતાજીનો કોપ થઈ ચૂક્યો છે એટલે હવે તે કોઈ પણ પ્રકારે આ દેશમાં તો સ્થિર થઈ શકવાનો નથી જ; તે પછી એ જ તેને સંપૂર્ણ શિક્ષા મળી છે, એમ માનીને તેનાપ્રતિ ઉદારતા શામાટે ન દર્શાવવી વારુ?”

છચ્છર જામ રાવળપ્રતિ અત્યંત ક્રોધ તથા તિરસ્કાર હોવાથી તે તત્કાળ બોલી ઉઠ્યો કેઃ “મારા મનમાં તો એમ જ થાય છે કે, જો જામ રાવળને મારવાનો અને જેવી રીતે ભીમસેને દુ:શાસનના રક્તનું પાન કર્યું હતું, તેવી રીતે જામ રાવળના રક્તનું પાન કરવાનો પ્રસંગ મને પ્રાપ્ત થાય, તો જ હું ધારું કે, આજે મારા માનવજન્મની સાર્થકતા થઈ અને જો એ પ્રસંગ ન મળે, તો આ જીવન વ્યર્થ છે!”

“જ્યેષ્ઠ બંધુ, મારો એવો અભિપ્રાય છે કે જો જામ રાવળ પોતાના પરાજયને સ્વીકારે, આપનાં ચરણોમાં મસ્તક નમાવીને પ્રાણદાન માગે અને આ દેશને સદાને માટે છોડી જવાનું તથા પુનઃ કદાપિ આ દેશમાં ન આવવાનું તેમ જ તે જ્યાં પણ પોતાની નવીન સત્તા જમાવે ત્યાં સદાને માટે આપણા વર્ચસ્વને સ્વીકારવાનું વચન આપે, તો જ તેને જીવતો જવા દેવો અને નહિ તો તેનો સંહાર કરી નાખવો.” સાયબજીએ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો.

“મારા પ્રિય બંધુ સાયબજી, તમો વયમાં નાના હોવા છતાં તમારા વિચારો આવા પ્રૌઢ તથા પ્રગલ્ભ છે, એ જોઇને મને અતિશય સંતોષ થાય છે. મારો પણ એવો જ અભિપ્રાય છે કે જ્યારે આપણો શુભ સમય આવ્યો હોય, તે વેળાએ શત્રુ પર પણ ઉપકાર કરવો અને શત્રુને શસ્ત્રાસ્ત્રથી નહિ, પણ ઉપકારના શસ્ત્રથી જ સંહારવો. સત્ય ઉદારતા અને સત્ય વિજયશીલતા એ જ છે. માતાજીએ મને સ્વપ્નમાં એમ પણ જણાવેલું છે કે, જામ રાવળ સામે કાંઠે જઇને સુખી થવાનો છે અને તેના તથા તેના વંશજોના ભાગ્યમાં રાજ્યસુખ લખાયલું છે; અર્થાત્ માતાજીની તેને જીવતો રાખવાની ઈચ્છા હોવા છતાં જો આપણે તેને મારી નાખવાનો પ્રયત્ન કરીએ અને તેથી જો તે