પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
કચ્છનો કાર્તિકેય

હોય છે, એનો જેને ત્યાં એવો પ્રત્યક્ષ પ્રસંગ આવી પહોંચે છે, તેજ સારી રીતે જાણી શકે છે. છતાં પણ માતાપિતા સાસરે સિધાવતી, પુત્રીને છાતી પર પત્થર મૂકી ઉત્તમમાં ઉત્તમ બોધ આપે છે, એ તેમની કેટલી બધી સરળતા, દુઃખસહિષ્ણુતા અને પરોપકારબુદ્ધિ છે, એનો કોઈ પણ સુજ્ઞ પાઠક કિંવા પાઠિકા તર્ક કરી શકે એમ છે.

કમાબાઈના જવા પછી અચાનક તેની માતા રાજબાના મુખમાંથી એવા ઉદ્દ્ગારો નીકળી ગયા કે: "ઓ મારી વ્હાલી દીકરી, હવે આ તારી દુર્ભાગિની માતા પુનઃ તારા મુખચંદ્રનું દર્શન કરવાને ભાગ્યશાલિની થશે કે નહિ ? મારું હૃદય મને એમ જ કહે છે કે, હવે મને એ સુખ આ અવતારમાં તો મળવાનું જ નથી !"

આ ઉદ્દ્ગારોની સાથે જ તે મૂર્ચ્છિત થઈને ધરણીપર ઢળી પડી અને એવા જ બીજા પણ અસ્પષ્ટ ઉદ્દ્ગારો કાઢવા લાગી. તેને જલસિંચન આદિ ઉપચારોવડે શુદ્ધિમાં લાવ્યા પછી પણ તેનું મન ભ્રમિષ્ટ સમાન દેખાયું અને તેથી વૈધના ઉપચારનો આરંભ કરવામાં આવ્યો.

અસ્તુ-હવે આપણી વાર્ત્તાના સૂત્રને આપણે અન્ય પ્રસંગના અનુસંધાનમાં આગળ લંબાવીએ.

-🙠 ❀ 🙢-
ચતુર્થ પરિચ્છેદ
પ્રાર્થના કે પ્રપંચ?

જામ રાવળ યુવરાજ શ્રી ખેંગારજીના જન્મતિથિમહોત્સવપ્રસંગે લાખિયાર વિયરામાં આવ્યો હતો, તે અત્યાર સૂધી ત્યાં જ હતો અને અચાનક પ્રાપ્ત થયેલા રાજકુમારી કમાબાઇના લગ્ન સમારંભમાં પણ તેણે એવા તો ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો કે જામ હમ્મીરનો તેનામાં પૂર્વે જે ભાવ અને વિશ્વાસ હતો, તેમાં અત્યારે બમણો વધારો થઈ ગયો હતો. તે જામ રાવળને પોતાના જીવ કે પ્રાણ સમાન માનવા લાગ્યો હતો. જામ હમ્મીર ગત પરિચ્છેદમાં વર્ણવેલી ઘટનાને બીજે દિવસે પ્રભાતમાં પોતાના મહાલયમાંના એક એકાંત સ્થાનમાં પુત્રીવિયોગ તથા પ્રિયતમા રાજબાની અસ્વસ્થતાથી ઉદ્‌ભવેલી ચિન્તામાં નિમગ્ન થઈને બેઠો હતો એટલામાં એક સેવકે આવીને જણાવ્યું કેઃ "મહારાજાધિરાજ, શ્રીમાન્ જામ રાવળ આપના દર્શનમાટે પધારેલા છે."

"જાઓ તેમને સત્વર લઈ આવો. એમનું આગમન અત્યારે યોગ્ય સમયે થયેલું છે. એમની સાથે વાર્ત્તાલાપ કરવાથી થોડા વખતને માટે ચિન્તા દૂર થતાં મનને શાંતિ મળશે," જામ હમ્મીરે કહ્યું.