પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
પ્રાર્થના કે પ્રપંચ


સેવક ચાલ્યો ગયો અને અલ્પ સમયમાં જામ રાવળ ત્યાં આવી લાગ્યો. હમ્મીરજીને વડિલ બન્ધુ તરીકે નમન કરી પોતાના આસને બેઠા પછી રાવળે વિનયથી પૂછ્યું કે: "કેમ બાવા, તબીયત તો સારી છેને ?”

"પ્રકૃતિ કાંઈક અસ્વસ્થ છે, પણ તમારા આવવાથી આશા છે કે, તેમાં કાંઇક સુધારો થશે," હમ્મીરજીએ કહ્યું.

"મહારાજ, જો આજ્ઞા હોય, તો એક પ્રાર્થના કરું." રાવળે પૂછ્યું,

"એમાં આજ્ઞાની શી અગત્ય છે વારુ ? જે કહેવું હોય તે આનંદથી કહો. સંકોચની કશી પણ આવશ્યકતા નથી," હમ્મીરજીએ સભ્યતા અને ઉદારતાથી ઉત્તર આપ્યું.

"જે વેળાએ આપણા વડિલો અને આપણે પોતે કુસંપના કારણથી પરસ્પર લડ્યા કરતા હતા, તે વેળાએ આવી જ વિપુલ સંપત્તિ અને સત્તા હોવા છતાં ઉભય પક્ષને કેટલી બધી ચિન્તા અને પીડા ભોગવવી પડતી હતી, એનું તો આપને સ્મરણ હોવું જ જોઈએ. અને આજે કુસંપનો નાશ કરી સંપની સ્થાપના કરવાથી આપણે કેવું અલૌકિક સ્વર્ગીય સુખ અનુભવીએ છીએ, એનો પણ આપને પ્રત્યક્ષ અનુભવ મળી ચૂક્યો છે, એટલે એ વિષયના વિશેષ વિવેચનની અગત્ય નથી જ. આપણે એકમત અને અનન્યભાવથી પરમેશ્વરની પ્રાર્થના કરવી જોઈએ કે, સદા સર્વદા આપણો આ સંપ આપણા વંશજોમાં પણ એવો ને એવો જ ટકી રહે," જામ રાવળે યોગ્ય અને પ્રશંસનીય ઉદ્દગાર કાઢ્યા.

"તથાસ્તુ." જામ હમ્મીરે અત્યંત હર્ષસહિત તેનાં વચનોને અનુમોદન આપતાં એ ઉદ્દગાર કાઢ્યો.

"પરંતુ એ સંપને વધારવાના એક પ્રથમ ચિન્હ તરીકે આપ જો એક વાર મારા ધામમાં પધારીને મારી ગુહભૂમિને પવિત્ર કરશો, તો હું મને પોતાને બહુ જ કૃતકૃત્ય થયેલો માનીશ અને આપનો અત્યંત આભારી થઈશ. હું આપનો આજ્ઞાંકિત છું એટલે જો આજ્ઞા કરો તો આગળથી જ મારે ગામ જઈ મેહમાનદારીની બધી તૈયારીઓ કરાવવા માંડું." પ્રસંગ જોઈને જામ રાવળે એકાએક એ પ્રમાણેની માગણી કરી.

થોડોક વિચાર કરીને જામ હમ્મીરજીએ જણાવ્યું કેઃ "રાવળજી, ખોટું લગાડશો નહિ; કારણ કે, હાલ તરતોરત આવી શકાય તેમ નથી. એક તો અત્યારે પુત્રીના વિયોગથી મારું ચિત્ત અસ્વસ્થ છે અને વળી તેની માતાના હૃદયમાં ભયંકર આઘાત થયો છે, એટલે