પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
શિવજીનું સાહસ

એક અબડા નામના મિયાણાના માથા પર મૂકી દીધી અને ત્યારપછી પોતાના રસાલા સાથે ત્યાંથી તે પ્રયાણ કરી ગયો.

જામ રાવળના ટળવા પછી સર્વ મિયાણા મળીને વિચાર કરવા લાગ્યા કે “જામ રાવળે આપણા પર જે આટલો બધો જુલમ ગુજાર્યો છે તેનો બદલો હવે કેવી રીતે અને ક્યારે વાળવો ?”

એના ઉત્તરમાં એક વયોવૃદ્ધ અને અનુભવી મિયાણાએ જણાવ્યું કે: “રાજા પાસેથી વૈરનો બદલો રાજા જ લઈ શકે, આપણે ગમે તેવા પણ રૈયતનાં માણસો જ કહેવાઈએ. માટે જેમ બને તેમ ઊતાવળથી કુમારોને અહીંથી રવાના કરો અને ઈશ્વર પાસેથી એટલું માગો કે કુમારો પરાક્રમી થાય અને પોતાના પિતાના વૈરનો બરાબર બદલો વ્યાજ સુદ્ધાં એની પાસેથી વાળી લે. આપણે તો અત્યારે આપણાં છાપરાં ઊભાં કરી ખેતી કરી ખાવા વિના બીજું કાંઈ પણ કરવાનું નથી !”

સર્વ મિયાણાએ વૃધ્ધના એ ઉપદેશને માન્ય રાખ્યો.

સંધ્યા સમયે ભીંયાએ ગંજીપાસે આવીને કુમારોને બહાર કાઢ્યા અને બનેલી બધી બીના તેમને કહી સંભળાવી. એ કરુણોત્પાદક વૃત્તાંત સાંભળીને ખેંગારજીનાં નેત્રોમાંથી હૃદયના શોકે અશ્રુપ્રવાહનું રૂ૫ ધારણું કરીને બહાર નીકળવાનો આરંભ કર્યો. જાણે પોતાના પિતાનો અત્યારે જ પરલોકવાસ થયો હોયની ! એવો જ તેના હૃદયમાં ભયાનક આઘાત થવા લાગ્યો. છતાં ધૈર્ય ધારીને તેણે ભીંયાને અત્યંત ગંભીર અને પ્રતિભાયુક્ત વાણીથી આશ્વાસન આપતાં કહ્યું કે:—

"અમારા પૂજ્ય જીવનદાતા, ચિન્તા ન કરો. પોતાના બે દુષ્ટ કાર્યોમાં એ નીચ ફાવી ગયો છે ખરો; પરંતુ પાપીનો જય અનંત હોતો જ નથી. અત્યારે આપણે જે કાંઇ ખોઈ બેઠા છીએ, તેથી આપણે આપણું સર્વસ્વ ખોયું છે, એમ ધારી બેસવાનું નથી. આપણી અજેય ઇચ્છા, વૈર લેવાની દૃઢ ભાવના, પાપી પ્રતિનો અમર તિરસ્કાર અને આપણી હિંમત એ સર્વ વસ્તુઓ કાયમ છે. અને તે કોઈથી છીનવી લઈ શકાય તેવી છે જ નહિ. એ વસ્તુઓના સાહાય્યથી જ હું આ પાપોનું ફળ સમય આવતાં એ દુષ્ટાત્માને ચખાડીશ. મારા પિતાનો સ્વર્ગવાસ થયેલ હોવાથી અને મારી માતા સતી થઈ હશે એમ ધારીને આજથી તમને હું મારા ધર્મના પિતા અને તમારી સ્ત્રીને ધર્મની માતા માનું છું તેમ જ તમારા પુત્રોનો નાશ થયેલ હોવાથી મને જ પોતાનો પુત્ર માનવાની તમને પ્રાર્થના કરું છું. તમારે વધારે ચિન્તા કરવી જ નહિ; માત્ર હું જીવતો રહું અને પરાક્રમી થાઉં, એટલું