પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
દેવીને આશીર્વાદ

વિદ્યામાં અત્યંત પ્રવીણ હોવાનું મનાય છે. એ માન્યતાના યોગે જ વર્ત્તમાન સમયના કેટલાક ગોરજીઓ-ધૂર્ત્ત, કામી અને લંપટ તથા લોભિષ્ટ ગોરજીઓ–મંદબુદ્ધિના પુરુષો તથા અબુદ્ધિ અબળાઓને ભ્રમાવી તેમનાં દ્રવ્ય તથા પાતિવ્રત્ય આદિને લૂટી લેવાને સમર્થ થાય છે. ભોળા ભાવિક જનો તેમના પ્રપંચને ન જાણતાં તેમના પૂર્વ ગૌરવની કથાઓથી મુગ્ધ થાય છે અને સ્વેચ્છાથી તેમના હાથે ઠગાઈ લૂટાઈ અંતે પતિત તથા ભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ માણેકમેરજી એવા પ્રકારનો પ્રપંચી ગોરજી નહોતો. તે તો એક મહાન્ બુદ્ધિમાન્ ગુણવાન્ અને સદાચારી સાધુ પુરુષ હતો. તેનું શુદ્ધ અને શાંત હૃદય નિરંતર પવિત્ર કાર્યોમાં જ પ્રવૃત્ત રહેતું હતું અને પોતા પાસે અભિમાન રાખવાનાં અનેક સાધનો હોવા છતાં નિરભિમાની અને સાંસારિક વિષયોથી વિરક્ત રહેવામાં જ તે પોતાનું ગૌરવ માનતો હતો. ત્યાગી થવા છતાં અનેક પ્રકારના શ્રૃંગાર સજી પરપ્રમદાના પ્રેમને ઈચ્છનારા જે કેટલાક નામધારી સાધુઓ વર્તમાન કાળમાં સર્વત્ર પ્રસરેલા જોવામાં આવે છે, તેવા દુર્ગણનો એ સત્ય સાધુ માણેકમેરજીમાં એક અંશ માત્ર પણ હતો નહિ અને તેથી જ તે સર્વત્ર પૂજ્યતા અને વંદનીયતાને પ્રાપ્ત કરી લોકોના હૃદયમાં પોતાનો અલૌકિક પ્રભાવ પાડી શક્યો હતો. અસ્તુ.

માણેકમેરજીએ છચ્છર તથા કુમારોને પોતાના ઉપાશ્રય (અપાસરા) ના એક એકાંત ભાગમાં ઊતારો આપ્યો અને તેમના ભોજન શયન આદિની સર્વ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરી આપ્યા પછી રાત્રિના સમયે છચ્છરને પોતા પાસે બોલાવીને પૂછ્યું કેઃ "ભાઈ આ બાળક મને તો અસાધરણ દેખાય છે, માટે જો કાંઈ બાધા ન હોય, તો મને સત્ય વાર્તા જણાવીશ ?"

"મહારાજ, હવે આ ભેદને આપ સમક્ષ વધારે વાર છુપાવી રાખવાની હું કશી પણ અગત્ય જોતો નથી. કચ્છના પ્રપંચથી મરાયલા સ્વર્ગવાસી જામ હમ્મીરજીના જ આ બે કુળદીપકો છે અને ચાંડાલ જામ રાવળના પંજામાંથી એમને બચાવવામાટે અમદાવાદ તરફ લઈ જવાને હું નીકળ્યો છું." એમ કહીને છચ્છરે કચ્છમાં બનેલી શોકકારક ઘટનાનો અથથી ઇતિ પર્યંત સમસ્ત વૃત્તાંત તેને કહી સંભળાવ્યો.

દયામૂલક ધર્મના ઉપાસક અને કોમલ ભાવનાવાળા યતિના હૃદયમાં એ વૃત્તાંતનું બહુ જ અનુકુલ પરિણામ થયું અને તેણે છચ્છરને આશ્વાસન આપીને કહ્યું કે: "કૃતજ્ઞ અનુચર છચ્છર, તારે હવે આ કુમારો વિશે લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. મારા ઉપાશ્રયમાં