પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
કચ્છનો કાર્તિકેય

વચનોને ! ખરેખર તમે કોઈ દેવાંશીય નર છો, એનો આજે અમને પૂરેપૂરો પરિચય થયો.”

તેમના આ માર્મિક ઉદ્‌ગારના રહસ્યને જાણવાની સૂતારે અત્યંત જિજ્ઞાસા દર્શાવતાં છચ્છરે ચરાડવામાં માણેકમેરજી યતિને ત્યાં બનેલો બધો બનાવ તેને કહી સંભળાવ્યો અને તે સાંભળીને તે સૂતાર પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

જતી વેળાએ આટલો બધો આદરસત્કાર કરનારને કાંઈ પણ આપ્યા વિના ચાલ્યા જવું એ ખેંગારજીને ઠીક ન લાગ્યું. જો કે અત્યારે તેની પાસે એક સોનામોહોર વિના બીજું વધારે કાંઈ પણ હતું નહિ અને પંથ હજી લાંબો કાપવાનો હતો; છતાં પોતાના સંકટનો વિચાર ન કરતાં એ સોનામોહોર પાર્વતીબાઈને આપી દેવાનો તેણે પોતાના મનમાં નિશ્ચય કર્યો. ખરેખર ગર્ભશ્રીમાન્ દારિદ્ર્યમાં પણ પોતાની ઉદારતા બતાવ્યા વિના રહેતો નથી, એમ જે કહેવાય છે તે સત્ય જ છે. એટલામાટે જ એક મહાકવિએ કહેલું છે કે: –

“ધનાઢ્યતા છે મનમહીં, નહિ ધનમહીં જરાય;
તેમ વૃદ્ધતા બુદ્ધિમાં, નહિ વયમહીં જણાય !”

"પાર્વતી બહેન, આ તમારા ધર્મબંધુ અત્યારે આ એક જ સોનામોહોર તમને કાપડા તરીકે આપે છે, તેનો સ્વીકાર કરો અને આશીર્વાદ આપો કે, સત્વર જ આ બંધુ તમારા ઉપકારોનો વ્યાજ સહિત બદલો વાળી આપવાને શકિતમાન્ થાય. તમારો આશીર્વાદ અવશ્ય ફળીભૂત થશે.” ખેંગારજીએ સોનામોહોર આપતાં કહ્યું.

"વીરા, ભલે તમારી ઈચ્છા છે, તો હું તમારો અનાદર નથી કરતી. એક સોનામોહોર નહિ, પણ આ લાખ સોનામોહોર છે. આ સોનામોહોરને હું જીવ પેઠે જાળવી રાખીશ અને જે વેળાએ મારા વીર કચ્છના સિંહાસને વિરાજશે તે વેળાએ એ જ મોહોરની હું ઘોળ કરીશ. તમે સત્વર જ કચ્છદેશના સ્વતંત્ર સ્વામી થાઓ અને ત્યાંની પીડિત પ્રજાને સુખિની કરો, એ મારો અંતઃકરણપૂર્વક આશીર્વાદ છે. સિધારો અને વિજય ધારો." પાર્વતીએ ઓવારણાં લઈને આશીર્વાદ આપ્યો.

તે જન્મભૂમિવાસિની બાઈના આવા પવિત્ર અને શુદ્ધ સ્નેહને જોઈને ખેંગારજી, સાયબજી તથા છચ્છરનાં નેત્રોમાંથી પ્રેમાશ્રુની ધારાનું વહન થવા લાગ્યું. તો પણ મનને દૃઢ કરી તેઓ એ દહિસરા (દધિસર) નામક ગામમાંથી ચાલતા થયા અને પોતાના પંથે ચડ્યા.