પૃષ્ઠ:Lakshami Natak.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે



લક્ષ્મી નાટક


ભવાસ ભીમડો: અરે મહાદેવ તમે આ શું કર્યું છે કે અમારો રાજા તમને કાંઈ વિચાર પુછવા આવ્યો હતો ત્યારે તમે એટલી જ આજ્ઞા કરી કે તમારે આ આંધળી ડોશીની કેડે જવું, એ વાત ન્યાયથી પણ ઘણી ઉલટી છે. કેમ કે દેખતું માણસ આંધળાને સદાય માર્ગે ચઢાવે છે પણ અમને એ આંધળી ડોશી માર્ગ શો દેખાડશે ?

હે રાજા મારાથી બોલ્યા વિના રહેવાશે નહીં અને તેથી તમે મારા ઉપર રીસ કરશો નહીં કેમકે હું તિર્થવાસી છું અને આ કાવડ મારી પાસે છે માટે મારા ઉપર રીસ કરશો તો તમને પાપ લાગશે.

ધીરસિંહજી: અરે રામ મારા સાથે વાદ કરીશ તો મને રીસ તો ચઢશે અને તારી કાવડ તોડી નાંખીશ વળી તને સારી પેઠે મારીશ.

ભીમડો: એ વાત કાંઈ હોય નહીં. અને એ આંધળી ડોશી કોણ છે, જેને વિશ્વાસે તમે ચાલો છો ? તે મને બતાવશો નહીં, ત્યાં સુધી હું બોલીશ. કેમ જે તમારૂ કલ્યાણ ઇચ્છનાર હું છું.

ધીર૦: ત્યારે ઠીક હું તારાથી કાંઈ છાની વાત રાખનાર નથી શાથી કે મને તારો વિશ્વાસ છે કે તું મારો ચાકર ઘણો ડાહ્યો છું.

આ હું ધર્મવાળો તથા મોટા કુળનો છું પણ આ સમે મારી પાસે પૈસો મુદ્દલ નથી, અને ઘરનું ખરચ ચલાવવું પણ કઠણ પડે છે.

ભીમ૦: હા ઠાકોર એ તો હું જાણું છું.

ધીર૦: અને બીજા અધર્મવાળા ચાડિયા, ફિતુરી, વળી સર્વે દુષ્ટ માણસો પાસે ધન વધતું થાય છે.

ભીમ૦: એ તો સાચું જ કહો છો.

ધીર૦: એટલા સારૂં જ હું મહાદેવજી પાસે ગયો હતો. અને વળી હું જાતે વૃદ્ધ છું ને મારે દીકરો એક જ છે તે પણ સારી રીતે ચાલે છે, તે સારૂં મેં મહાદેવજીને પુછ્યું કે મારા દીકરાને તે હું સારે માર્ગે ચઢાવું કે આ સમા પ્રમાણે અન્યાયને માર્ગે ચઢાવું તો તેનું કલ્યાણ થાય.

ભીમ૦: પછી બળદ ઉપર બેસનાર માધેવડે શો ઉત્તર આપ્યો ?

ધીર૦: હે ભાઈ તે વાત હું તને કહું છું. શિવજીએ મને આજ્ઞા આપી છે કે જ્યારે તમે આ મંદિરમાંથી બહાર નિસરો ત્યારે પેહેલું જે માણસ નજરે આવે તેનો તમે કેડ મુકશો નહીં. જરૂર તેને તમારે ઘેર તેડી જજો.

ભીમ૦: પછી તમારી નજરે પેહેલું કોણ આવ્યું ?