પૃષ્ઠ:Lakshami Natak.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધીર૦: આ ડોશી.

ભીમડો: અરે ભોળા ઠાકોર તમને એટલી સમજણ નથી કે દેવે તો એમ કહ્યું કે જગતની ચાલ પ્રમાણે તમારા દીકરાને ચલાવવો.

ધીર૦: એ વાત તું શા ઉપરથી કેહે છે ?

ભીમડો: હે ઘેલા રાજા એમાં શું એ તો પ્રગટ છે, તે આંધળા માણસને પણ દેખાય કે, આ સમામાં કાંઈ પુન્ય કરવાનું ફળ નથી.

ધીર૦: ના, ના, એમતો નહીં હોય કાંઈક વાત તો ઊંડી હશે પણ આ ડોશીને આપણે ઓળખીએ કે એ કોણ છે અને શા માટે અહિં આવી હશે, ત્યારે દેવનો મરમ સમજાશે.

ભીમડો: અલી આંધળી ડોશી તું કોણ છું અને શો વિચાર કરે છે, ને શા સારૂં અહિ આવી છું ? તુરત બોલ નહીં તો માર ખાઈશ.

ડોશી: અરે ચંડાળ એ તું શું બોલે છે ?

ભીમડો: હે રાજા એ આંધળી ડોશી તમને શું કેહે છે ?

રાજા: મને નથી કેહેતી એ તો તને કેહે છે કેમ કે તેં નિર્લજની રીતે એને પુછ્યું તે સારૂ.

રાજા: હે ડોશીમા તમારી ધર્મવાળા ઉપર સારી દૃષ્ટિ હશે. તે માટે કૃપા કરીને મને ઉત્તર આપો.

ડોશી: તને શું ફાંસીએ દેવો છે ?

ભીમડો: હે રાજા એ માધેવડો તથા આંધળી ડોશી બંને તમને સોંપ્યા મારે એકેનું કામ નથી.

રાજા: અરે ડોશી તમને શિક્ષા થયા વિના અમારી પાસેથી તમો છૂટનાર નથી.

ભીમડો: એ વાત સાચી છે જો ઉત્તર આપીશ નહીં તો ચાંચડની પેઠે ચોળી નાખીશ.

ડોશી: અરે ભલા માણસો મને જવા દો.

રાજા: હા જરૂર એમ જ કરવું છે.

ભીમડો: હે રાજા હું કહું તે સાંભળો. આ આંધળીને હું ભુંડા હાલથી મારીશ, તે એવી રીતે કે શેહેરના કોટ ઉપર લેઈ જઈને ઉભી રાખીશ. ત્યાંથી પછડાઈને મરી જશે.

રાજા: ઠીક ઠીક, એમ જ કરો.

ડોશી: ના ના ભાઈસાહેબે મને મારશો નહીં.

રાજા: ત્યારે કહીશ ?

ડોશી: હું જાણું છું કે તમે મને ઓળખશો ત્યાર પછી છોડનાર નથી. કાંઈ દુખ દેશો.