પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૧૯ ]

નેતાજીએ પોતાની વાત સાચી ઠરાવી હતી અને એ સમિતિના પ્રમુખપદે કોઈ જાપાનીને મૂકવામાં આવ્યો નહોતો.

કામચલાઉ સરકાર પોતાની વાતને સફળતાપૂર્વક વળગી રહી હોય એવો બીજો પણ એક દાખલો છે. જાપાનીઓ અને કામચલાઉ સરકારના પ્રતિનિધિઓની હાજરીવાળી એક પરિષદમાં જાપાનીઓએ કહ્યું કે પૂરવઠા-ખાતાના અને માનવબળ-ખાતાના પ્રધાનોની નિમણુંકની જાણ એમને અગાઉથી જ કરવામાં આવે તો સારું, કારણ કે જાપાનીસ યુદ્ધ-પ્રયત્નોને એ નિમણુંકની સીધી યા આડકતરી અસર થતી હતી. પણ નેતાજીએ જણાવ્યું કે એ તો કામચલાઉ સરકારની બિલકુલ આંતરિક બાબત છે. જો કે આવી નિમણુંક થઈ ચૂક્યા બાદ, એક શિષ્ટાચાર રૂપે તેની જાણ જાપાનીઓને કરવામાં એમને વાંધો નહોતો. છેવટ સુધી તેઓ એ મતને વળગી રહ્યા હતા.

હજી એક બીજો દાખલો હું આપું છું. (હિંદના) મુક્ત કરાયેલા પ્રદેશોમાં કોઈપણ જાપાનીસ પેઢીને કામ કરવા ન દઈ શકાય અને એક આઝાદ હિંદ બેન્ક સિવાય બીજી કોઈપણ બેન્કથી ત્યાં કામકાજ ન થઈ શકે એવી એક યોજના નેતાજીએ ઘડી કાઢી હતી.

સ૦ - મલાયા કે બરમામાંના હિંદીઓના રક્ષણ માટે કામચલાઉ સરકારે શું શું કર્યું હતું ?

જ૦ – હિંદી સ્વાતંત્ર્ય સંધના તંત્ર દ્વારા તબીબી મદદ અને સામાજિક સુખાકારીના બીજા કાર્યોની એમણે ગોઠવણ કરેલી. ઉપરાંત રાષ્ટ્રીય દૃષ્ટિએ એમની કેળવણી પણ ચાલુ રખાયેલી......આઝાદ હિંદ સરકારનાં ચાર રેડીઓ મથકો હતાં. જાહેરાત અને પ્રચારખાતાના પ્રધાન તરીકે એમના સંચાલન માટે હું જવાબદાર હતો.

સ૦ - આ મથકોના સંચાલન ઉપર બહારનું કોઈ નિયંત્રણ હતું?

જ૦ - ના......મલાયામાંથી સ્વયંસેવકોની એક મોટી સંખ્યા (ફોજમાં) ભરતી થઈ હતી. બરમામાંથી પ્રમાણમાં ઓછા અને