૩૧ મી ડિસેમ્બર : સોમવાર
અદાલતની બાવીસમી અને છેલ્લી બેઠકની કાર્યવાહીની શરૂઆત કરતાં જજ-એડવોકેટે લશ્કરી વકીલ પાસેથી આરોપીઓના ચારિત્ર્યની અને લશ્કરી નોકરી અંગેની વિગતો માગી. જવાબમાં લશ્કરી વકીલે જણાવ્યું કે કેપ્ટન શાહનવાઝની ઉમ્મર ૩૧ વર્ષ ને ૧૧ માસની છે. ૯ વર્ષ ને ૧૧ માસની એમની લશ્કરી નોકરી દરમિયાન એ અફસરપદે રહ્યા હતા. ૫ વર્ષ અને ૧ માસ સુધી એ કેપ્ટન હતા. આ મુકદ્દમા સિવાય એમનું સામાન્ય ચારિત્ર્ય ઘણું સારું છે. એમને કોઇ માનચાંદ મળ્યાં નથી. કેપ્ટન સેહગલની ઉમર ૨૮ વર્ષ અને ૧૧ માસની છે. પાંચ વર્ષ સુધી એમને કૅપ્ટન તરીકે નોકરી કરી છે. એમનું ચારિત્ર્ય ઘણું સારું છે. કોઇ માનચાંદ એમને મળ્યાં નથી. લેફટેનન્ટ ધિલન ૩૦ વર્ષ ને ૯ માસની ઉમરના છે. પોણાછ વર્ષની એમની નેકરી દરમિયાન સવાચાર વર્ષ સુધી એ લેફટેનન્ટ હતા. એમનું ચારિત્ર્ય ઘણું સારુ છે, કોઇ માનચાંદ એમણે મેળવ્યા નથી.
લશ્કરી અદાલતનો એવા શિરસ્તો છે કે જો આરોપીઓ ઉપરના એક યા વધુ આરોપો સાબિત થયેલા લાગે તો પછી સજા કડક કે હળવી બનાવવામાં આરોપીઓના ચારિત્ર્યની વિગતો ન્યાયાધીશો ધ્યાનમાં લ્યે છે. એટલે આજની અદાલત દરમિયાન ઉપલી વિગતોની માગણી થઈ એની ઉપરથી એવું સૂચન મળી ગયું કે આરોપીઓ એમની ઉપરના એક યા વધુ અરોપ મુજબ ગુનેગાર જણાયા છે.
અદાલતના પ્રમુખ મેજર-જનરલ બ્લેકલેન્ડે તે પછી જાહેર કર્યું કે, 'સજા અંગેની વિચારણા કરવા માટે હવે અદાલત બંધ કરવામાં આવે છે. ફેંસલો અને સજાને મંજૂરી મળ્યા બાદ એ થોડા દિવસોમાં જાહેર કરાશે. ખુલ્લી અદાલતની કાર્યવાહી એ રીતે પૂરી થાય છે.'