લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૦ ]



લશ્કરી અદાલતના નિયમ મુજબ આ મુકદ્દમાની આખી કાર્યવાહી જજ-એડવોકેટ તરફથી હિંદના વડા સર સેનાધિપતિ (સર ક્લૉડ ઑકિનલેક)ના કાયદા અંગેના સલાહકારને મોકલાશે. એ કાર્યવાહી, એનો ફેસલો અને એની સજા બધી રીતે કાયદેસર અને બરાબર છે કે નહિ તેની જાણ આ સલાહકાર સરસેનાધિપતિને કરશે. કાર્યવાહી, ફેંસલો અને સજા દરેક રીતે વાજબી અને ન્યાયી છે કે નહિ તેની વિચારણા કર્યા બાદ સરસેનાધિપતિથી સજામાં કાંઇ વધારો કરી શકાય નહિ, પણ જો એમને યોગ્ય લાગે તે એ સજા ઘટાડી શકે છે અને સમૂળગી રદ બાતલ પણ કરી શકે છે.

૩જી જાન્યુઆરી : ગુરુવાર

આઝાદ હિંદ ફોજના પહેલા મુકદ્દમાના ત્રણ આરોપી અફસરોને અદાલતે ફરમાવેલી જનમટીપની સજા વડા સરસેનાધિપતિએ માફ કરી છે એવું જણાવતી નીચે મુજબની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે : 'કેપ્ટન શાહનવાઝખાન, કૅપ્ટન સેહગલ, અને લેફ્ટેનન્ટ ધિલન ઉપર લશ્કરી અદાલતમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો છે. રાજા સામે યુદ્ધ ચલાવવાનો આરોપ ત્રણે ય પર છે અને લેફ૦ ધિલન ઉપર ખૂન કરવાનો તથા બીજા બે ઉપર ખૂન કરાવવાનો આરેાપ છે. અદાલતનો ફેંસલો એ છે કે યુદ્ધ ચલાવવાના આરોપસર એ ત્રણેય ગુનેગાર ઠર્યા છે; કૅ૦ શાહનવાઝખાનને ખૂન કરાવવાના આરોપસરની સજા પણ થઇ છે, અને ખૂન કરવાના આરોપમાં લેફ૦ ધિલનને તથા ખૂન કરાવવાના આરોપમાં કૅ૦ સેહગલને બિનગુનેગાર ઠરાવવામાં આવ્યા છે . . . . યુદ્ધ ચલાવવાના ગુનાસર ત્રણે ય આરોપીઓને અદાલતે જનમટીપની, લશ્કરમાંથી છૂટા કરવાની અને એમનાં પગાર-ભથ્થાંની જમા રકમ જપ્ત કરવાની સજા કરી છે . . . . અદાલતનો ફેંસલો દરેક બાબતમાં પુરાવાઓ સાથે સુસંગત છે એની સરસેનાધિપતિને ખાતરી થઈ છે, અને તેથી એમણે એને પોતાની મંજૂરી આપી છે . . . .