પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૧ ]


લશ્કરો મિત્ર બન્યાં. આ૦હિં૦ફો૦ને જાપાની અફસરો નહિ પણ હિંદી અફસરો તરફથી તાલીમ અપાતી. એના તમામ અફસરો હિંદીઓ હતા. આ૦ હિં૦ ફો૦ના વાવટામાં હિંદી રાષ્ટ્રીય મહાસભાના વાવટાના જ રંગો હતા : કેસરી સફેદ અને લીલો. એના બિલ્લા જાપાની બિલ્લાઓ કરતાં જુદા હતા.

સ૦ : બિલ્લા ઉપરના બજરિયા રંગના એક તારાને કાઢી નાખવામાં આવ્યો હતો કારણ કે એ જાપાનના ઊગતા સૂરજ જેવો લાગતો, એ વાત સાચી છે ?

જ૦: હા, બીજી આ૦ હિં૦ ફો૦એ એને કાઢી નાખ્યો હતો. ૧૯૪૪ના ઓકટોબરની ૨૧ મી પછી સિંગાપુરમાં મળેલી એક સભામાં સુભાષચંદ્ર બોઝે કહેલું કે જેને આ૦ હિં૦ ફો૦ માંથી નીકળી જવું હોય તે જઈ શકે છે. આ૦ હિં૦ ફો૦ના સૈનિકો આ સભામાં હાજર હતા. . . . આઝાદ હિંદ સરકાર તરફથી બહાર પડતું 'જય હિંદ' અથવા 'આઝાદ હિંદ' નામનું એક અઠવાડિક મેં સિંગાપુરમાં જોયું હતું . . . . આઝાદ હિંદ ફોજમાં ખોરાક-પોષાક ઉપરાંત લેફ્ટેનન્ટને માસિક રૂ. ૮૦ અને કૅપ્ટનને રૂ. ૧૭૫ ભથ્થા તરીકે અપાતા હતા. મેજરને મલાયામાં રૂ. ૧૮૦ અને બારમામાં રૂ. ૨૩૦ મળતા. એજ રીતે લેફ્ટેનન્ટ કર્નલને રૂ. ૩૦૦ અને કર્નલને રૂ. ૪૦૦ અપાતા. આઝાદ હિંદ સરકારને એક જંગી સોગાદ આપવા માટે રંગુનમાં હબીબને 'સેવક-એ-હિંદ'નો ચાંદ એનાયત કરવામાં આવ્યો ત્યારે હું હાજર હતો. એ સોગાદ રૂપિયા એક કરોડની હતી તેની મને ખબર નથી. આઝાદ હિંદ સરકાર તરફથી બીજા માનચાંદ પણ આપવામાં આવતા હતા.