લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૫૮ ]

પોતાની મરજીથી જ આ૦ હિં૦ ફો૦માં જોડાવું. આઠ મહિના પછી હું આ૦ હિં૦ ફો૦માં જોડાયો, કારણકે મને અને બીજાઓને લાગ્યું કે જાપાનીઓના યુદ્ધકેદીઓ તરીકે મરવા કરતાં હિંદની આઝાદી માટે મરવું બહેતર છે. આ૦ હિં૦ ફો૦ની મારી રેજિમેન્ટ ઑગસ્ટ ૧૯૪૪ સુધી ઉત્તર મલાયામાં હતી. ત્યાંથી પછી ૧૯૪૫ ના જાન્યુઆરીમાં અમને રંગુન નજીકના એક સ્થળે લઈ જવામાં આવેલા. અમારી રેજિમેન્ટ કૅ૦ સેહગલના તાબામાં હતી. એમણે અમને કહ્યું કે આ રેજિમેન્ટને હવે આગળ વધીને પોપા ટેકરી જવાનું છે......

સુભાષચંદ્ર બોઝે રેજિમેન્ટની મુલાકાત લીધેલી અને અમે એમને સલામી આપેલી. સુભાષચંદ્ર બોઝે રેજિમેન્ટને કહ્યું કે, ગયે વર્ષે આ૦ હિં૦ ફો૦એ જેવો ભાગ ભજવ્યો હતો એવો જ તમે પણ ભજવજો. આ૦ હિં૦ ફો૦માંથી કેટલાક માણસો ભાગી ગયા છે. પણ હવે એવું ન બનવું જોઈએ. જે લોકો મોરચા સુધી કૂચ કરી શકે તેમ ન હોય એ પાછળ રહી શકે છે. એ પ્રસંગે કેાઈ પાછળ રહ્યું નહોતું.'

ફરિયાદપક્ષના પાંચમા સાક્ષી સતોખસીંઘે જણાવ્યું કે-

'૧૯૩૬માં હું લશ્કરમાં જોડાયો. જાપાન સાથેની લડાઈ શરૂ થઈ ત્યારે હું મલાયામાં એક હોદા પર હતો. જાપાનીઓનો કેદી બન્યા પછી ૧૯૪૨ના સપ્ટેંબરમાં આ૦ હિં૦ ફો૦માં જોડાયો. કૅ. સેહગલે અમને આ૦ હિં૦ ફો૦માં મરજિયાતપણે ભરતી થવાનો આગ્રહ કરેલો. પણ એમણે કહેલું કે, હું કોઈને બળજબરીથી ભરતી કરવા નથી માગતો. એ વખતે હું ભરતી ન થયો. મને અને બીજા ભરતી ન થનારાઓને બીજી છાવણીમાં લઈ ગયા. એ છાવણીમાં કૅ૦ શાહનવાઝે ભાષણ કરેલું કે “હિંદની આઝાદી માટે આ૦ હિં૦ ફો૦માં જોડાવું એ દરેક હિંદીની ફરજ છે. ગુરુ ગોવિંદસિંહે પોતાનો પંથ શરૂ કર્યો ત્યારે પાંચ જ માણસો એમાં જોડાયા હતા. બહાદુર માણસોએ આ બીજી આ૦ હિં૦ ફો૦માં જોડાઈ જઈને હિંદના રાષ્ટ્રધ્વજ નીચે ઊભા રહેવું જોઈએ,'