પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગવતરીનાં વળામણાં
૯૭
 

બાંધી ત્યારે રાંધણિયામાંથી ક્યારની ફળિયામાં ચોરનજર નાખી રહેલી સંતુનો હરખ દ્વિગુણિત બની ગયો...

***

સંતુનું મન આજે ભર્યું ભર્યું હતું, પણ ઢગનાં માણસો જોડે માંડણિયાનું આગમન થવાથી એનો જીવ જરાક ઊચક થઈ ગયો હતો. અલબત્ત, ટીહાએ થોડા દિવસ પહેલાં સમાચાર આપેલા કે ગોબર ને માંડણ વચ્ચે હવે મનમેળ થઈ ગયો છે, ને બન્ને ભાઈઓએ હાદા પટેલના જ ફળિયામાં એક જ ખાટલે બેસીને એકબીજાની એંઠી બીડી અરધી અરધી ફૂંકી લીધી છે; પણ ‘મનમેળ’ના આટલા અહેવાલ પરથી સંતુના મનનું સમાધાન નહોતું થયું, એની ચકોર નજર તો હજી ય માંડણિયાની આંખમાં મેલ નિહાળતી હતી. પુરુષની પારખ પુરુષોને નહિ પણ સ્ત્રીઓને જ હોય છે. માંડણિયે ભજવેલા ભાઈચારાના નાટકથી હાદા પટેલ અને ગોબર ભલે ભરમાઈ ગયા, પણ સંતુ એમ સહેલાઈથી ભરમાવા માગતી નહોતી. ગોબર જોડે એકાંત મળે કે તુરત પહેલી જ વાત માંડણિયા વિષે કરવાનું, અને આ નટખટ માણસથી દસ ગાઉ દૂર રહેવા સમજાવવાનું, એણે મન-શું નક્કી કરી નાખ્યું.

વાગડિયાની ખડકીમાં એક અઠવાડિયાથી ઉલ્લાસમય બની રહેલું વાતાવરણ આજે સાંજે ઢગ વળાવવાને ટાણે, સ્વાભાવિક રીતે જ, સહેજ વિષાદભર્યું બની ગયું. સંતુના હૃદયમાં મિશ્ર લાગણીઓ હતી. પિતૃગૃહના ત્યાગનો વિષાદ અને શ્વશુરગૃહ પહોંચવાનો ઉલ્લાસ, ગંગાજમનાની જેમ મિશ્ર પ્રવાહમાં વહેતો હતો. પણ હરખને તો એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો જ વહેતો હતો. એને તો આજે એકને બદલે બે પુત્રીઓનાં–સંતુની અને કાબરી ગાયનાં–વળામણાં કરવાનાં હોવાથી એની આંખો તો આજ વહેલી સવારની જ સુકાતી નહોતી.