પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
લીલુડી ધરતી
 

 આખરે વસમી વિદાયની વેળા આવી પહોંચી. સંતુએ પોતાનાં મનગમતાં લૂગડાં બચકીમાં બાંધ્યાં, એકાએક એને કશુંક યાદ આવતાં એ ગમાણમાં પહોંચી ગઈ કે કડબની ગંજી ઉપર ચડીને ગમાણના ખપેડામાંથી હૉકી સ્ટીક ખેચી કાઢી. ઘરમાં આવીને સંતુ આ સ્ટીક ઉપર પોતાનું એક ફાટેલું એાઢણું વીંટવા લાગી એ જોઈને હરખને આશ્ચર્ય થયું.

‘એલી, હજીય આ લાકડી ભૂલતી નથી ? હવે સાસરે જાવાટાણે તો એનો સગડ મેલ્ય !’

‘નંઈ મેલું, મારે ભેગી લઈ જાવી છે.’

‘ભેગી લઈ જાવી છે ? શું કરવા ?’

‘કાલ્ય સવારે શાદૂળિયા જેવો કોઈ કપાતર અટકચાળો કરે તો ઈનું માથું ભાંગવા–’

‘બાપુ ! હવે તો તું સાસરે હાલી; કાંઈક સમજણી થા તો સારુ—’

‘હંધુ ય સમજું છું એટલે તો આ લાકડી ભેગી લઈ જઉં છું.’ સંતુએ સમજાવ્યું. ‘મા ! આપણો તો અસ્ત્રીનો અવતાર... કાયાનો ને માયાનો બેવડો ભો... આ ધરતીમાતા આપણને સામે પગલે હાલવા જેટલો મારગ દિયે છે, એટલો એનો પાડ—’

‘પણ માડી ! આવી પારકી ચીજ આપણે ઠાલી મફતની શુ કામે વેંઢારવી જોયેં ?’

‘આ પારકી ચીજ તો ઈ પારકા પુરુહનું કો’ક દિ’ માથું રંગશે. તું જોજે તો ખરી !’

‘પણ હવે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે તારી સામે ઊંચી નજરે જોવાનું ય જોખમ ખેડે ?’ હરખે કહ્યું. ‘ભલી થઈને આ શાદુળિયાને જ પાછી સોંપી દેવા દે—’

‘ના,’ સંતુએ દૃઢતાથી કહ્યું. 'એમ કાંઈ આ લાકડી રેઢી નથી પડી કે શાદૂળિયાને સોંપી દઈએ. ઈ નુગરો ય જાણશે કે