પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિયોગના ઓછાયા વચ્ચે
૧૦૭
 


‘પણ ભગવાન મને મોત મોકલવા ક્યાં નવરો છે ?' ઝમકુ ડૂસકું ભરતાં બોલતી હતી. ‘આ તો પેટની માંયલો જીવ મરી જાશે, પાનશેરીનો ઘા ખાઈને.’

‘કાલ્ય મરતો હોય તો આજ મરે.’ કહીને ગિધો ગણિતકામમાં આગળ વધ્યો : ‘એકાસીમાંથી સાત ગિયા એટલે ચિમોતેર... ચિમોતેરમાંથી તન વટાવના, એકોતેર... એકોતેર... એકોતેર..’

ઝમકુનો આર્દ્ર અવાજ સંભળાયો : ‘અર૨૨, આ બેજીવસુ પેટ ઉપર પાનશેરીનો ઘા ફેકતાં જરા ય વચાર ન કર્યો ?’

‘વધુ ડબ ડબ કર્યું છે તો હવે પાનશેરીને બદલે આ અધમણિ જ માથામાં મારીશ. સત્તર તેરી એકાસી ને નવ પંચા પિસ્તાલી... પિસ્તાલી ને એકાસી એકસો છવી... છવી... છવી...’

હવે તો ગોબરને પણ મનમાં અરેરાટી છૂટી. ‘ગિધિયે મારે હાળે ગજબ કરી નાખી... બાયડીને સુવાવડ આવવાની છે, તે પેટમાં પાનશેરી મારી માળા હાળા કહાઈએ–’

‘મૂવો ખાટકી જેવો લાગે છે !’ સંતુએ કહ્યું. અને પછી કુતૂહલથી પૂછ્યું : ‘ગિધિયાને છોકરાં કેટલાં ?’

‘છોકરાં તો ગાડું ભરાય એટલાં છે.’

‘પણ તો ય ?’

‘એની કાંઈ ખબર ના પડે. ઈ તો જલમે ને મરે, વળી પાછાં જલમે ને વળી મરે—’

‘શેરીમાં તો છ-સાત રમવા આવે છે એને હું ઓળખુ છું. બાકીનાં—’

‘ઘરમાં હશે.’

‘પણ કેટલાં ?’

‘મને ય બરાબર ખબર નથી.’

‘પણ તમારાં બેયના ઘરની પછીત સાવ પડખોડખ ને તમને આવું યાદ ન હોય ?’