પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
લીલુડી ધરતી
 

 ઘટમાળ પણ આમ જ હાલ્યા કરે... ઘડીક સુખ, ઘડીક દુઃખ, વળી પાછું સુખ—’

વળી એકાએક રઘાએ ઊભરો ઠાલવ્યો : ‘મારાં હાળાંવને અટાણે તો પારકી વાત મધ જેવી મીઠી લાગે છે. પણ દીકરા મારાવ, પગ હેઠાળે રેલો આવશે તંયે ખબર્યું પડશે—’

સાંભળીને વળી હૉટલમાં સોપો પડી ગયો. નટખટ છનિયો મૂછમાં હસતો ને આંખ મિચકારતો એઠાં પ્યાલાં વીછળી રહ્યો. એક−બે ઘરાકો તો કંટાળી મન−શું ગણગણ્યાં પણ ખરાં :

‘એલા હવે તને કોણ વતાવે છે તી એકલો એકલો બબડવા કરછ ?’

‘તારે ને શાદૂળિયાને વળી કિયું સગપણ ફાટી નીકળ્યું છે, તી આટલો વાલેશરી થઈ બેઠો છ ?’

‘આ તો ઊલળ્યો પાણો પગ ઉપર લઈ લીધા જેવું કર્યું – નઈં લેવા કે નઈં દેવા, ને ઠાલોમોફતનો વચમાં ઘોડો ખૂંદછ ?’

‘ગોળાને મોઢે ગળણું બંધાય, ગામને મોઢે નઈં. વાતું તો રાજા રામ જેવાની ય વાંહે થાય, તો તખુભા બાપુ વળી કોણ ?’

પણ આ સહુ ફરિયાદ કરનારાઓને કોણ સમજાવે કે રઘાના મોઢામાંથી થોડી થોડી વારે ઠલવાઈ રહેલા આ ઊભરાઓની પાછળ એના અંતરમાં તો એક મહાભયંકર ભૂતકાળનું આંધણ ઉકળી રહ્યું છે !

લોકસ્મૃતિ પણ કેટલી કાચી છે ! આજથી વીસેક વરસ પહેલાં અમથી સુથારણને લઈને રઘાએ ગુંદાસર ગામ છોડ્યું એ ઘટના પણ આજે કેટલાં ઓછાં ઘરડેરાંઓને યાદ હતી ! એ કિસ્સામાં રઘાએ અમથીને ફસાવેલી, કે અમથીએ રઘાને ભોળવેલ કે પછી કોઈક ત્રાહિતે જ આખો ત્રાગડો રચેલો, એ હકીકત તો આજ સુધી ગોપિત જ રહેવા પામેલી. માથે રાત લઈને નાસી છૂટેલાં આ ભાગેડુઓ સૌરાષ્ટ્રના એક નાનકડા બંદરે પહોંચેલાં ને ત્યાંથી