પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુડી ધરતી
 


ગુંદાસર ગામ ઓઝતનો આવો જ એક પરિવાર હતો. નદીને કાંઠેકાંઠે પથરાયેલાં એનાં ખેતર-વાડી બારેય મહિના લીલાં કુંજાર જેવાં લહેરાતાં. ગામના તેમ જ વાડીપડાના બધા જ કૂવાઓની સરવાણીઓ ઓઝતમાંથી આવતી હતી. સાચાં તળ ધરાવનાર આ કૂવાઓનાં પાણી ચોમાસામાં આપમેળે જ ચચ્ચાર હાથ ઊંચાં ચડી જતાં; કાળ-દુકાળે પાણી ઊંડાં જાય અને બબ્બે વરતનાં સાંધણ પણ ટૂંકાં પડતાં લાગે ત્યારે કૂવામાં હાથ જેટલું ખોદકામ કરતાં જ સાચાં તળમાંથી હોબ્બેશ પાતાળ−ફુવારા ફૂટતા, ને સુકાતાં વાડીપડાં વળી પાછાં લીલાંછમ બનીને લહેરાઈ ઊઠતાં.

જેવી મીઠાશ ઓઝતનાં પાણીમાં હતી એવી જ મીઠાશ અહીંનાં માણસોમાં હતી. ધરતીમાં રસકસ હતો તેથી એનાં છોરુઓનાં મન પણ માયામમતાથી હર્યાંભર્યાં રહેતાં. અલબત્ત, ક્વચિત્ ક્યાંક ક્યાંક કૂડકપટ દેખાતું, પણ એકંદરે અહીંનો માનવસમુદાય સદાચારી, પાપભીરુ અને ધર્મપરાયણ હતો. વળી, રેલગાડીની રેલ હજી સુધી ગુંદાસરના પાદર સુધી પહોંચી શકી નહોતી એ હકીકત ગામના વેપારવણજના વિકાસમાં મોટી અગવડરૂપ હોવા છતાં ગુંદાસરની અસલિયાત જાળવી રાખવામાં એક આડકતરી સગવડસમી પણ બની રહેલી.

આ ગામ કોઈ ઈજનેરના નકશાની નીપજ નહોતી; એ તો વૃક્ષની જેમ, કશા જ આયોજન વિના, સ્વૈરપણે વસ્યું હતું અને વિકસ્યું હતું. આજથી ત્રણસો વર્ષ પહેલાં ગુંદાસરને ટોડલે પહેલવહેલું તોરણ આહીરોએ બાંધેલું કે ગરાસિયાઓએ એ બાબતમાં એ બન્ને કોમોના બારોટો વચ્ચેનો ઝઘડો હજી સુધી પત્યો નથી. પણ વર્તમાન સ્થિતિ જોતાં એમ કહી શકાય કે ખેડૂતોએ જ આ હાંડા જેવું ગામ વસાવ્યું છે અને વિકસાવ્યું છે.

ગાડામારગે અહીં આવનારને ગુંદાસરનું પહેલવહેલું દર્શન તો દૂરથી દેખાતા સ્મશાનનાં કાળાંભઠ્ઠ છાપરાંનું જ થતું. ગામ આખાનાં