પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
લીલુડી ધરતી
 

 ‘શાદૂળભા મારો પેટનો જણ્યો નથી, ઈ વાતની !’

‘જખ મારે છે વાજસૂરિયો. હવે આટલે વરસે ઈ શું કરી લેવાનો હતો ?’

‘એણે વાત વે’તી મેલી છે કે શાદૂળભા રાજબીજ નથી—’

‘મરની વાતું કર્યા કરે ! એમ જોવા જઈએ તો તો આ મોટામોટાં રજવાડાંમાં ય સાચું રાજબીજ ક્યાં જડે એમ છે ?’ કહીને રઘાએ વિવિધ રાજ્યોની વંશાવળી ઊખેળી : ‘વિક્રમગઢના ભૂપેન્દ્રસિંહજી ચારણનું ફરજંદ... દેવળનગરના કિરાતસિંહજી... પરજિયા સોની હાર્યે સાટાપાટા... કંચનપુરના સુરેન્દ્રકુમારસિંહજી... બ્રાહ્મણ દીવાનને ઘેરે જનમેલા. આણી કોર્ય અંજનગઢ જુવો, કે ઓલી કોર્ય સુલતાનપુર જુવો, હનુભા બાપુને યાદ કરો કે થાનપુરવાળા જગદીશસિંહજીને સંભારો, હંધું ય મનમાં જ સમજવા જેવું.... દેખાડો મને ક્યાંય સાચું રાજબીજ સચવાણું હોય તો !’

‘ઈ હંધાં ય સિંહને કોણ કે’વા જાય કે તારું મોઢું ગંધાય છે ? મોટાં રજવાડાંનું કોઈ નામે ય નો લ્યે, ને આપણાં જેવા ગરીબની ગિલ્લા કરવી સહુને ગમે !’ સમજુબાએ રડમસ અવાજે ઉમેર્યું. ‘સાવઝની બોડમાં કોઈ હાથ નો નાખે; પણ આપણાં ચકલાંના માળા વીંખવા સહુ ધોડ્યાં ધોડ્યાં આવી પૂગે.’

‘કોઈના બાપની હવે દેન નથી, ને તમારો માળો વીંખી જાય.’

‘પીટડિયો વાજસૂરિયો જ વીંખવા તિયાર થ્યો છ—’

‘એની પાસે પુરાવો ક્યાં છે ? આકાશપાતાળ એક કરે તો ય પુરાવો જડે એમ નથી.’ રઘાએ સધિયારો આપ્યો.

‘તને ખાતરી છે ? પુરાવો જડે એમ જ નથી ?’

‘ના.’

પણ રઘાની આટલી ‘ખાતરી’ વડે ઠકરાણાંને ખાતરી થાય એમ નહોતું, પોતે આજે જે બાબતની પૃચ્છા માટે આ માણસને ખાસ તેડાવ્યો હતો, એ બાબતની પેટછૂટી વાત કરી નાખ્યા વિના