રાહ જોઈ રહ્યા હતા. વાડીમાં ત્રણચાર એકઢાળિયા ઓરડા હતા, એ બાવા-સાધુઓ માટેની ધરમશાળા તરીકે વપરાતા; અને ગુંદાસર ગામને સદ્ભાગ્યે અહીં દર પૂનમ અને અમાસની રાતે ભજન જામે ત્યારે મારગી બાવાઓની બેચાર ‘મૂર્તિઓ’ તો હાજર થઈ જ જતી.
શિવાલયને ચાતરીને જરા આગળ વધીએ એટલે હનુમાનની દેરી આવે. દેરીની બાજુમાં ગામના રક્ષક ખેતરપાળનું થાનક, અને ખેતરપાળની જોડે શૂરોપૂરો દેખાય. શૂરાપૂરાની પડખે થોડા સિન્દૂરરંગ્યા પાળિયા ઊભા છે; વચ્ચે મેલડીનું સ્થાન છે. અહીંથી ગામની શરૂઆત થઈ ગઈ એમ ગણી શકાય, કેમકે એ પાળિયાઓની નજીકમાં જ ‘દેરાણીજેઠાણીની વાવ’નો પિયાવો છે. સવારને પહોરે અહીં વીસ વીસ ગરેડીઓ ઉપર પાણીનાં બેડાં ઘમ્મઘમ્મ સિંચાતાં હોય.
પિયાવે ઊભા ઊભા સામે ગામના જીર્ણ કિલ્લાનો કોઠો દેખાય છે. આ કોઠાની બાજુમાં જ ગામઝાંપો છે. ત્યાં ધોળે દિવસે પણ કાસમ પસાયતો ખાટલો ઢાળીને ઊંઘતો પડ્યો હોય. આ ઓતરાદે ઝાંપેથી દખણાદા ઝાંપા સુધી પહોંચીએ એટલે ગુંદાસર નામનો મુખ્ય રાજમાર્ગ વળોટી ગયો એમ કહી શકાય. આરંભમાં ગોપાલક આહીરોનાં ખોરડાં આવે, પછી વાણિયાવેપારીઓની પાકા પથ્થરની બાંધેલી ત્રણચાર મેડીઓ દેખાય, પછી ખેડૂતોનાં ગારમાટી લીંપેલાં ખોરડાં અને એ પછી ગરાસિયાઓના દરબારગઢની પછવાડે કડિયા–કુંભાર, ઘાંચી–મોચી વસવાયાંઓ વગેરેની વસાહત આવે. નાનકડા ગામના નાનકડા અર્થતંત્રમાં આવશ્યક ગણાય એ અઢારે ય વરણનાં એકબે ઘર તો અહીં મળે જ. દખણાદા ઝાંપાની બહાર ઢેડવાડો, એનાથી જરા દૂર ચમારકુંડ અને છેક છેડે કબ્રસ્તાન સુધી પહોંચો એટલે આખું યે ગુંદાસર ગામ પગતળેથી નીકળી ગયું એમ કહી શકાય.