ભવ મેં જ કોઈ નિયાણીના નિસાસા લીધા હશે, કળોયાંનાં કાળજાં કકળાવ્યાં હશે, તી આ ભવમાં મારાં કાળજાં કકળે છે !
‘કાં ઉજમવવ !’ ખડકીના ઊંબરામાંથી અવાજ આવ્યો, અને ઊજમ સત્વર સાબદી થઈ ગઈ.
હાથમાં છાશ લેવાના ખાલી લોટાને મેલાઘાણ સાડલાની ઓથમાં ઢાંકીને ઝમકુ ખડકીમાં પ્રવેશી. ઠુમરની ખડકીની આ પછીતની પડોશણ સાથે ઊજમને વાડકા–વ્યવહારની જેમ છાશના લોટાનો એકમાર્ગી વ્યવહાર હતો.
‘આજ તો કંઈ વે’લાં આવ્યાં. ઝમકુભાભી !’ ઊજમે સ્વસ્થ થઈને વાતચીત શરૂ કરી.
‘ઈ મુવા મોહલને આજ વે’લું વે’લું જોહંટવું છે...’
ઝમકુએ પોતાના પતિ ગિરધર માટે ‘મોહલ’ શબ્દ યોજ્યો હતો અને જોહંટવું ‘જમવા’ ના પર્યાય તરીકે વાપરતી.
‘ગિધોભાઈ તો રાજ રોંઢાટાણે જ રોટલો ખાવા આવે છે ને !’ ઝમકુએ કહ્યું.
‘અરે ઘણી ય દાણ તો રોયો રોટલો ખાવાનું જ સંચોડું ભૂલી જાય–રૂપિયા ગણવા આડ્યે...પણ આજે તો શેજાદાને વેલું’ વે’લું જોહંટીને શાપર જવું છે...’
‘શાપરના આંટાફેરા હમણાં બવ વધી ગ્યા છે કાંઈ ?’
‘અમથો અમથો તો હાટડીને ઊંબરેથી ક્યાં ય આઘો ખહે એમ નથી.’ ઝમકુ એ મર્મવાક્ય ઉચ્ચાર્યું. ‘આ તો લાલો લાભે લોભે શાપર લગણ લાંબે થાય છે–’
‘શાપરના સંધી લોકુંમાં ગિધેભાઈએ બવ ધીરધાર કરી છે એમ સાંભળ્યું છે. ઉઘરાણી સાટુ ધોડાં કરવાં પડતાં હશે–’
‘ઉઘરાણીનું નામ ને છાનું છપનું કામ.’ કહીને ઝમકુએ વળી પતિ અંગે પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો. ‘પીટડિયો જેટલો બાર્ય દેખાય છે એટલે જ હજી ભોંમાં પડ્યો છે. તમને પારકાં