પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અડદનું પૂતળું
૧૫૩
 

 પાડોશીને શું ખબર્ય પડે એનાં કરતૂકની...?’

ઝમકુના ઘરમાં રોજેરોજ જામતી રામાયણના લંકાકાણ્ડથી ઊજમ પરિચિત હતી. અત્યારે પોતાની ઉદ્વિગ્ન મનઃસ્થિતિમાં આ પડોશણે જે પ્રકરણ ઉખેળ્યું હતું. એથી ઊજમને વધારે ઉદ્વેગ થયો. પોતે પતિવિયોગે ઝૂરી રહી છે, ત્યારે આ સ્ત્રી છતે પતિએ પરેશાન થઈ રહી છે.

‘બાઈ ! જેવો છે એ ઘણી તો છે ને ? સોના જેવો ગણ્ય મારી બેન !’

‘સોના જેવો ? મૂવો કથીર છે, કથીર !’

‘કથીર તો કથીર, પણ માથાનો મોડ છે, મારી બાઈ !’ ઊજમે વધારે આશ્વાસન આપ્યું. ‘આપણે ગમે એવી અજવાળી તો ય રાત્ય...આપણું માથાંઢાંકણ આપણો પૈઈણો ધણી.’

‘મૂવો પૈઈણો ધણી ! આને તો પીટડિયાને બીજી પૈણવી છે.’

‘સાચે જ ?’

‘હા, એટલા સારું તો નત્ય ઊઠીને શાપરની ખેપ ઉપર ખેપ કરે છે.’

‘પણ હવે ઊતર્યે કાળે ઊજાણી જેવું ? શું કામે ?’

‘ઈ ને રૂપાળાને હવે ઘરઘવાના કોડ થ્યા છે. હું હવે એને ગલઢી લાગું છું. મારાં સેંથકનાં છોકરાં એને ગમતાં નથી, તી હવે નછોરવી બાર વરહનીને ઘરમાં બેહાડવી છે.’

‘મરની બેહાડે ! આવનારી ય એનાં નસીબ લખાવીને આવશે ને ?’

‘અરે, હું જોઉં તો ખરી કે કેમ કરીને આવે છે ? ઈ નવી નખરાળીનો ટાંટિયો જ ન વાઢી નાખું !’

છાશનો છલોછલ કળશો ભરીને ઝમકુ પોતાના દામ્પત્યની દુર્દશા વર્ણવવા ઓસરીની કોર ઉપર નિરાંત કરીને બેસી ગઈ તેથી ઉજમ અસ્વસ્થ બની રહી. આજે કામના ઢગલા પડ્યા છે.