પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અડદનું પૂતળું
૧૫૭
 

ઘી લાવો ! પછી ગિધાની હાટથી પાંચ ભાર ખસખસના દાણા મંગાવી લ્યો એટલે ઝટ થઈ જાય ચૂરમેશ્વરો પરમેશ્વરો !’

અઠવાડિયા આગોતરી જ તૈયાર કરી ચૂકેલી ‘ચૂરમેશ્વર-પરમેશ્વર’ માટેની આ સીધા સામગ્રીઓ એકઠી કરવા ઊજમ રાંધણિયા તરફ વળી એટલે સંતુ આ ખાધોડકા ભૂદેવ ભણી કાતરનજરે તાકી રહી. મનમાં ને મનમાં સમસમી રહી. અરેરે, સસરાજીને આવી કમત તે ક્યાંથી સૂઝી કે દેવશીનું પિંડદાન કરવા માટે આ પાખંડીના પેંતરામાં સપડાયા ? ઊજમની જેમ સંતુને પણ આ ક્રિયા કરાવવા સામે સખત વિરાધ હતો. એમ તો, ખુદ હાદા ઠુમર પણ પાકે પાયે ક્યાં માનતા હતા કે દેવશી ખરેખર મરી પરવાર્યો છે ? સતીમાને થાનકે જઈને દાણા જોયા, એમાં ય બે વાત આવતી હતી : દીકરો જીવતો ય હોય ને મરી પણ ગયો હોય; દેવશી પાછો આવે ય ખરો, ને ન પણ આવે; આવી બેવડી વાત હતી, પણ દેવ જેવા સસરા ય આખરે તો સામાજિક પ્રાણી જ હતા ને ? સંતુનું આણું કરવાની બાબતમાં લોકાચારને ઠોકર મારનાર એ માણસ દેવશી પાછળ પિંડદાન ને શ્રાદ્ધ કરવાની બાબતમાં લોકાચાર સમક્ષ લાચાર બની ગયા.

ગિધાની હાટેથી અડદનો કોથળો લઈને હાદા પટેલ ડેલીમાં દાખલ થયા ત્યારે રડી રડીને લાલઘૂમ થઈ ગયેલી એમની આંખમાં આ લાચારી સ્પષ્ટ વરતાતી હતી. દેવશીનું શ્રાદ્ધ કરવાનો નિર્ણય લેતાં પહેલાં એમણે ભયંકર મનોમંથન વેઠેલું. અત્યંત આકરી માનસિક તાવણીમાંથી તેઓ ૫સાર થયા હતા. ઊજમ કરતાં ય અદકી યંત્રણાઓ આ વયોવૃદ્ધ પિતાએ અનુભવી હતી. આખરે એમણે પોતાના જ ‘માંહ્યલા’ને મનાવવા માટે એક સમાધાન યોજ્યું હતું : દિકરો જીવતો હશે તો તો આ શ્રાદ્ધક્રિયા નિરર્થક જ છે. સો-બસો રૂપિયાનું ખરચ થશે એ સમજીશ કે ખેતરમાં કોઈ ડફેર આવીને એકાદુ કાલરું સળગાવી ગયા હતા... ને આટલાં વરસમાં