પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અડદનું પૂતળું
૧૫૯
 

 પહોંચ્યા; નાતજાતનાં બંધનો બહુ ઉગ્ર હોવા છતાં ગામ નાતે ભાણો ખોજો આવ્યો; ગામને સારે ને માઠે પ્રસંગે મોખરે થનાર રઘો તો અત્યારે ગેરહાજર રહે જ શાનો ? છનિયાને હૉટેલનો ‘ચાર્જ’ સોંપીને એ મોડો મોડો પણ આવ્યો ત્યારે સહુ એની સામે તાકી રહ્યા. પેલા વેજલ રબારીએ વહેતી મૂકેલી રઘાના ગુપ્ત રુદનની વાત યાદ આવી જતાં સહુ વધારે બારીકાઈથી આ બ્રાહ્મણને અવલોકી રહ્યાં. આ સંતપ્ત માણસની મુખમુદ્રા પર સુકાયેલા આંસુની ધાર જાણે કે હજી ય અકબંધ ન હોય !

‘વેજલ રબારીની વાત તો સાચી લાગે છે. રઘો રોતો ભલે ન હોય, પણ એની મોકળા તો મોળી પડી જ ગઈ છે !’

‘પડે, ભાઈ પડે ! શેરની માથે ય સવા શેર હોય. રઘાને ય કો’ક જડી ગયો હશે એના માથાનો.’

‘સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો ય આવે ને ? આજ લગણ ગામ આખાને રોવરાવતો’તો; હવે પંડ્યને જ રોવાને વારો આવ્યો—’

કામેસર મહારાજે દેવશીના પ્રતીક તરીકે અડદનું પૂતળું તૈયાર કર્યું એટલે વાતચીતનો પ્રવાહ રઘા તરફથી વળીને દેવશી તરફ વળ્યો.

નથુ સોનીએ કહ્યું : ‘હું ને દેવશી એક જ હેડીના, ઓઝતની ઉગમણી પાડમાં અમે ભેગા નહાવા પડતા, ને ગામેતીની તરકોસીમાં અમે ભેગા પલાંઠિયા ધૂબકા મારતા.’

‘એક સાલ હોળીને દિ’ હું ને દેવશી નાળિયેર રમ્યા’તા ઈ તો હજી ય મને સાંભરે છે.’ ભાણા ખોજાએ સંભારણું રજૂ કર્યું. ‘આંખે પાટા બાંધીને ગઢની ગોખબારીમાં નાળિયેર નાખી દેવાની અમે શરત કરી’તી, દેવશીના દસ ઘા ખાલી ગયા પણ અગિયારમે ઘાએ નાળિયેર સીધું ગોખબારીમાં !’

‘સંસાર કોણ જાણે કેવોક કડવો ઝેર લાગ્યો હશે, તી ભર