જેમ વારે વારે વલોવી રહી હતી.
સંતુની મનોદશા પણ ગોબર કરતાં બહુ સારી નહોતી. અનેક હર્યાંભર્યાં સોણલાં સાથે એણે આ ઘરને આંગણે પગ મૂક્યો હતો. આરંભમાં થોડો સમય તો એ સ્વપ્નમાં જ વિહરી રહી હતી. આ નવવિવાહિતા માટે આવતી કાલનું ચિત્ર એક વાંચ્યા વિનાના તાજા અખબાર જેટલું કુતૂહલભર્યું હતું. એમાં પાને પાને ભરેલાં આશ્ચર્યો અનુભવવા માટે કલ્પનાની પાંખો ઊડી રહી હતી ત્યાં જ કોઈકે એની પાંખો કાપી નાખી હોય એવો અનુભવ થયો. ઊજમે સૌભાગ્યનષ્ટ બનીને સંતુને સ્વપ્નભંગ કરાવ્યો. પતિ એટલે શું ને પતિનો અભાવ એટલે શું, એ હવે સંતુને સમજાયું. માથાનો મોડ જતાં સ્ત્રીત્વ કેટલું માસૂમ, કેટલું ઓશિયાળું ને આશરાગતિયું બની જાય છે એનો ખ્યાલ આવ્યો. હતપ્રભ બનેલી ઊજમની અંતરવ્યથા સંતુની આંખમાંથી વ્યક્ત થતી હતી. કાલ સવારે ગોબરને કાંઈ રજાકજા થાય તો હું પણ આવી જ નોધારી બની રહું ને ?
નવપરિણીત દંપતી એક અદૃષ્ટ મૃત્યુના ઓછાયાઓ વચ્ચે ગૂંગળાતાં હતાં એવામાં હુતાશણીના તહેવારો આવી લાગ્યા.
હોળીના દિવસોમાં નાળિયેરની રમતો રમવામાં ને એવી મોટી મોટી શરતો બકવામાં ગોબર આખા ગુંદાસરમાં તો ઠીક, પણ આજુબાજુનાં ગામોમાં પણ જાણીતો હતો. દેવશીની જુવાનીના દિવસમાં બાળક ગોબરે મોટાભાઈને આવી શરતોમાં ઊતરતા જોયેલા. દેવશી ગયા પછી ગોબરે એ રમતનો શોખ વિકસાવ્યો હતો. અકેક રાતમાં સો–બસો નાળિયેરની હારજીત તો એને મન રમતવાત હતી. ગુંદાસરમાં આવો જ હોંશીલો બીજો એક ખેલાડી હતો ભૂધર મેરાઈનો વલભ. વલભ ને ગોબર સામસામા શરતમાં ઊતરે ત્યારે પાંચસાત કોથળા નાળિયેરનો ભૂક્કો બોલી જાય ને ગિધાના ઈસ્કોતરામાં તે દિવસે તડાકો પડે.