પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વારસ
૧૬૭
 

 ફતનદિવાળિયો હતો. એના ગુંજામાં કડકડતી લીલી નોટો ઊભરાતી હતી. રૂપિયા ઉપરાંત છરીચાકાં પણ ખિસ્સામાં જ લઈને ફરતો, વાતવાતમાં સામા માણસને હુલાવી દેવાની હુડબડાઈઓ મારતો. પાંચસાત ગુંડા જેવા સાગરીતોને એ પોતાના અંગરક્ષકો તરીકે સાઇકલ પર જ ફેરવતો.

ગિધાએ વલભની ઓળખાણ કરાવી એટલે દલસુખનો ભાઈબંધ વેરસી બોલ્યો :

‘દલાભાઈ દાળિયામમરા જેવી પાંચપચી નાળિયેરની રમતમાં હાથ નથી બગાડતા. અમારે તો સામો રમનારો અમારા જેવો જાખી જોઈએ.’

વલભે વેરસીનો આ પડકાર ઉપાડી લીધો : ‘બોલો, ઓઝતના ઘૂનામાં નાળિયેર નાખી આવું ?’

‘ઈ તો નાનાં છોકરાંની મોઈદાંડિયા જેવી રમત થઈ. અમે તો અઢીસે, પાનસેંથી ઓછા ઘાની વાત જ નથી સાંભળતા.’ દલસુખે કહ્યું, ‘કરો અવાજ કોઈનામાં પાણી હોય તો—’

વલભે કહ્યું : ‘પોણોસો ઘાએ ગોપેસર મહાદેવની ધજાએ નાળિયેર અડાડી દઉં ?’

‘ગોપેસર તો આંઈથી પગડે ઘા થિયો કહેવાય. એમાં જીતવું શું ને હારવું શું ? ઠાલી મહેનત માથે પડે. મરદનો દીકરો કોઈ હોય તો ગરનારને માથે અંબામાના મંદિરે નાળિયેર પૂગાડવાની વાત કરો !’

દલસુખની આ દરખાસ્ત સાંભળીને સહુ હેબત ખાઈ ગયાં. અહીંથી ગિરનાર છેક ત્રીજી ટૂક ઉપર અંબામાના મંદિર સુધી નાળિયેર પહોંચાડવું ? અરે, કેટલાં ગાડાં નાળિયેરનાં છોતરાં ઊડી જાય ! આવી શરત બકવાનું ગજું કોનું ? દોઢેક દાયકા પહેલાં ઠુમરના દેવશીએ ગામના પાદરમાંથી અડીકડી વાવ સુધીની શરત મારી હતી; અને એમાં એ સફળ પણ થયો હતો. પણ આ તો