પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુડી ધરતી
 

હૉટેલનું પાટિયું મારી દીધેલું.

રઘાએ હોટેલનો નોરો પણ બરોબર જોઈ કારવીને નક્કી કર્યો હતો. પાણીશેરડાને મારગે બરાબર નાકું વાળીને ‘અંબા–ભવાની’ જાણે કે આડી પડી હતી. એકેએક પાણિયારીએ અહીંથી પસાર થવું જ પડે. કદાચ એમને નજરમાં રાખીને જ હોટેલમાં જે થાળીવાજું દાખલ કરેલું એમાં પહેલવહેલી રેકર્ડ ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર’ની વસાવી હતી. ઊગતા સૂરજનાં કિરણોમાં ઈંઢોણી પર ઝગમગતાં બેડાંની હેલ મૂકીને ગામની જુવાન વહુદીકરીઓ ‘અંબા–ભવાની’ના ઊંબરા પાસેથી પસાર થાય ત્યારે આ ‘ભારી બેડાં’નું ગાયન સાંભળીને ગૃહિણીઓ નીચું જોઈ જતી, જવાન વહુવારુઓ મનમાં મલકાઈ જતી. તો કોઈ નવીસવી પરણીને આવેલી કે પરણ્યા વિના રહી ગયેલી નટખટ યુવતીઓ આંખ પણ ઉલાળતી હતી. પરિણામે, રઘાની હોટેલમાં બમણી ઘરાકી જામતી.

આજે ઉત્સવનો દિવસ હોવાથી અંબા–ભવાનીમાં ઊભવાની પણ જગ્યા નહોતી.

અધઝાઝેરો ઊંબરો રોકીને ગોઠવાયેલા તખ્તે–તાઉસ જેવા થડા ઉપર, અહોનિશ એકમાત્ર પંચિયાભર જ રહેતા રઘા ગોરની પરસૂદીના પિંડા જેવી અદોદરી કાયા ખડકાઈને પડી હતી. આફ્રિકાથી આવ્યા બાદ રઘો એવો તો એદી ને બેઠાડુ થઈ ગયો હતો કે દિવસ આખો થડે બેઠે બેઠે બોકડાની જેમ તેજ તમાકુવાળાં પાન ચાવ્યે રાખતો ને થડાની માંડણીવાળા ખૂણામાં જ દર પાંચ પાંચ મિનિટે કોગળાભર પિચકારી ઉપર પિચકારી માર્યા કરતો. ‘અંબાભવાની’નો આરંભ થયો ત્યારે એ માંડણીવાળી ભીંત ઉપર ‘દુકાનમાં કોઈએ ગંદકી કરવી નહી’ની સુચનાવાળી એક તખતી ટાંગવામાં આવેલી; પણ હવે રઘાના જ સ્વમુખેથી વહેતી પાનની હજારો પિચકારીઓના પ્રવાહીએ એ આખી ભીંતને એવી તો લાલભડક રંગે રંગી નાખી હતી કે પેલી તખતીમાંનું લખાણ જ ઊકલી