પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ સોળમું

વાજાંવાળા આવ્યા

જીવતીના આપઘાતનો સન્નાટો ગુંદાસર જેવા નાનાસરખા ગામથી જીરવવો મુશ્કેલ હતો.

આ ઘટનાએ સંતુ અને શાદૂળભા વચ્ચે જામી ગયેલી અથડામણને ઝાંખી પાડી દીધી; જીવા ખવાસની ધડપકડને પશ્ચાદ્‌ભૂમાં ધકેલી દીધી; રઘા મહારાજ અને જેરામ મિસ્ત્રી વચ્ચે ઝરી ગયેલી ચકમકની વાત ભૂલાવી દીધી. હજી ગઈ કાલ સુધી ગામ આખામાં વાતચીતનો વિષય બની ગયેલા ગિરનારના આરોહણનું મહત્ત્વ હવે ઓસરી ગયું. ગોબર ઉપર વરસીંડે ઉગામેલ જમૈયાની ઘટનાનું હવે ઝાઝું મહત્ત્વ રહ્યું નહિ. પોતાના પિતરાઈની રક્ષા કરવા જતાં માંડણે હાથ ગુમાવ્યો હતો એ અનુકમ્પાનો વિષય હતો ખરો, પણ જીવતીના અગ્નિસ્નાન સમક્ષ એની બહુ વિસાત નહોતી. આજે તો ચોરે ને ચૌટે એક જ વાત ચર્ચાતી હતી.

‘અરરર ! બચારી બાઈ ખડની ગંજી ભેગી ખડના પૂળાની ઘડ્યે સડસડ સળગી ગઈ !’

‘ગરનારી વાયરામાં તલસરું સળગે એમ ભડભડ ભડથું જ થઈ ગઈ !’

પાણીશેરડે દેરાણી જેઠાણીની વર્તુળાકાર વાવ પર વાચ્યાર્થમાં ગોળમેજી પરિષદ જેવો દેખાવ થઈ ગયો હતો. પાવઠાના પરિઘ આસપાસ ઊભીને પાણી સીંચતી પાણિયારીઓ એક પછી એક ‘આંખો દેખા હાલ’ રજૂ કરતી હતી.