પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
લીલુડી ધરતી
 


રસ લઈ રહ્યો હતો. કેટલાક માણસોને તો એ ખાસ સમજાવીપટાવીને રઘા સમક્ષ ‘ખરખરો’ કરવા મોકલતો હતો.

‘રઘાભાઈ ! આ જીવલો તો જાલિમ નીકળ્યો !’

‘ખવાહભાઈ કીધા એટલે હાંઉં. જેનું ખાય એનું જ ખોદે.’

સાંભળીને રઘો મૂંગો મૂંગો ડોકું હલાવતો. એની સ્થિતિ એવી તો વિષમ હતી કે આમાં હકાર કે નકાર કશું ય ભણી શકાય એમ નહોતું.

ગિરિજાપ્રસાદના દત્તકવિધિને દિવસે જ શાદૂળભાની ધરપકડ થવાથી રઘાને મન ઉત્સવનો અરધો આનંદ ઓસરી ગયો હતો; અને બાકીનો અરધો આનંદ વિક્ષુણ્ણ થઈ ગયો હતો બીજા એક કારણે. રઘાને આંગણે ગામ આખું જમ્યું, પણ એમાં માંડણની હાજરી નહોતી.

આમે ય હમણાં માંડણ અંબાભવાનીના ઉંબરે બહુ આવતો નહોતો. પોતાનો એક હાથ કપાઈ ગયા પછી અને જીવતીના અણધાર્યા મૃત્યુ પછી એને જે માનસિક ચોટ લાગી હતી એના પ્રત્યાઘાતમાં એ જુવાન જિંદગીનો બધો જ રસ ગુમાવી બેઠો હતો. કલાકો સુધી એ ઘરમાં ભૂખ્યો ને તરસ્યો પૂરાઈ રહેતો. કોઈ વાર ભૂતેશ્વરની જગ્યામાં જઈને ઈશ્વરગિરિ જોડે ગાંજો ફૂંકતો બેસી રહેતો; એની શૂન્ય આંખો જોઈને ઘણાને તો ડર લાગતો.

દત્તકવિધિને આગલે દિવસે રઘો માંડણને ઘેર ગયો તે પાડોશમાંથી નથુ સોનીની વહુ અજવાળી કાકીએ કહ્યું કે એ તો ગઈ કાલનો ઘરનાં બારણાં ‘ઉઘાડાં ફટાસ’ મેલીને ક્યાંક હાલ્યો છે, તે અમે કમાડને સાંકળ ચડાવી છે. આ સાંભળીને રઘાએ ભૂતેશ્વરની જગ્યામાં તપાસ કરી તો મહંતે જણાવ્યું કે હમણાં બે દિવસથી માંડણ ગાંજો પીવા આવ્યો જ નથી. રઘાએ ભૂતના પીપળા સમા માંડણના સઘળા અડ્ડાઓમાં તપાસ કરી જોયેલી, પણ ક્યાંયથી પત્તો લાગેલો નહિ.