પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૃત્યુનું જીવન
૧૫
 

 ગામ આખાનાં રાંધણિયાંમાંથી જે સામટી ધૂમ્રસેર ઊંચે ચડી રહી હતી એમાં એક નોખી જાતની ધૂમ્રસેર ઉમેરાઈ ગઈ. પરબત માટે સ્મશાને આગ લઈ જવા માટે ખડકીને એક ખૂણે અડાયાં છાણાંમાં ખડનો પૂળો મૂકેલો એમાં ઠંડો ગિરનારી વાયરો ફૂંકાતાં ભડભડ ભડકો થઈ ગયો અને ધુમાડાના ગોટેગોટા ખડકીની વંડી વળોટીને ઊંચા ચડવા લાગ્યા.

સિંહની તાતી આંખો જેવા અંગારા દોણીમાં ભરાયા ત્યાં તો આકાશમાં એવી જ તાતી આંખ ઝબકી ઊઠી. ગિરનાર પર અંબાજીના શિખર ઉપર વીજળીનો શિરોટો ચમક્યો અને સહુની આંખો એ તરફ ફરી.

અને સહુ ડાઘુઓ એકબીજા ભણી મૂંગી આંખે ગોષ્ટિ કરી રહ્યા :

‘અરે ! આ તો વીજળી !’

‘ઈશાની વીજળી !’

‘આ તો અનરાધાર વરસાદનાં એંધાણ.’

‘અબઘડીએ જ તૂટી પડ્યો જાણે.’

પવનની દિશા એકાએક બદલાઈ ગઈ. ટાઢોહિમ વાયરો કુંકાવા લાગ્યો.

અને ફરી, પહેલી વાર કરતાં ય વધારે મોટો વીજ-શિરોટો આભમાં ચમક્યો.

અને બીજી જ ક્ષણે, કાન ફાડી નાખે એવા કડાકા સંભળાયા...

ગાજતી ગોરંભ ઉપરથી એક વૃદ્ધે કહ્યું : ‘અરે ! આ તો ભગવાન ગેડીદડે રમવા નીકળ્યા ! અબઘડીએ સહુને ભીંજવી નાખશે.’

‘ઈશાની કોઈ દિ’ અબાર ન જાય. આજે ઓઝત બે કાંઠે થઈ ગઈ જાણો !’

‘તો તો આજે જ વાવણાં કરવાં પડે.’

‘હા, કરવાં જ પડે. આજે ખેતર લીલાંછમ થઈ જાય. ને