પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાણી ડહોળાયાં
૨૬૯
 

 ને ? છેવટે કોઈ આવતાંજતાં માણસ સાથે સમાચાર તો કહેવડાવે કે નહિ ? ટપાલનું પત્તું લખવાના પૈસા બગાડતાં એનો જીવ ન ચાલે તો મોઢામોઢનો સંદેશો મોકલવામાં તો કશું ખરચ થતું નથી... પણ લાલો લાભ વિના લોટે એવો નથી. અહીં ગામમાં બંધ હાટડીએ ચાર ચાર દિવસના વેપારનો વકરો જાતો કરીને પરગામમાં અમથો અમથો જ પડ્યો રહે એવો હૈયાફૂટો તો એ નથી જ ! નક્કી આ કિસ્સામાં કાંઈ ભેદ છે.

ભવનદાને સાહજિક રીતે જ એક તુક્કો સૂઝ્યો અને તેઓ ઠુમરની ખડકી તરફ ઊપડ્યા.

ફળિયામાં ખાટલા ઉપર બેસીને રાશ–મોડાં વણી રહેલા હાદા પટેલ સમક્ષ મુખીએ ગિધા વિષેની પોતાની ચિંતા વ્યક્ત કરી. પણ એમણે જોયું કે ગિધા અંગે પોતાના કરતાં ય વધારે ચિંતા તો હાદા પટેલને છે. એક જ નવેળામાં બન્ને ઘરની પછીત પડતી હોવાથી ‘પહેલાં સગાં પડોશી’ની રાહે હાદા પટેલનું હૈયું તો મુખી કરતાં ય વધારે પ્રમાણમાં વલોવાઈ રહ્યું હતું.

મુખીએ વાત વાતમાં સીધો જ પ્રશ્ન પૂછી નાખ્યો, ‘ગિધો હશે તો હેમખેમ ને ? કે પછી કાંઈ રજાકજા થઈ હશે ?’

હાદા પટેલ મૂગા મૂંગા રાશને વળ દેતા રહ્યા.

હવે ભવાનદાએ સુચન કર્યું : ‘સતીમાને તો બોલાવી જુવો ! ખબર્ય તો પડે કે લુવાણો કઈ દિશામાં ગ્યો છે ?’

‘તમારા કીધા મોર્યનાં મેં તો બોલાવી જોયાં.’

‘બોલાવી જોયાં ? સાચે જ ?’

‘હા.’

‘શું કીધું ?—’ મુખીએ અધીરા અવાજે પૂછ્યું.

‘ગિધો કઈ દિશામાં ગ્યો છ ? શાપર ઢાળો કે રાણપર ઢાળો ? કેની કોર્ય આપણે પગેરું કાઢવું ?

‘પગેરું કાઢવાની જ જરૂર લાગતી નથી.’ કહીને હાદા પટેલ