પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાતાળના પાણી
૨૯૧
 


અને એ ખરેખર જોખમનો જ મામલો હતો. કૂવાને તળિયે કાળમીંઢ પથરામાં કાણું પાડીને ગોબર એમાં પોટાશનો ટોટો ગોઠવતો, પછી પોતે મંડાણમાં બાંધેલું મજબૂત રાંઢવું ઝાલીને બહાર આવતો રહે એટલે કાંઠેથી લાંબી વાટ ઉપર માંડણ પોતાના હાથમાંની સળગતી જામગરી વડે વાટને જાણે કે તોપ દાગતો હોય એ ઢબે પલિતો ચાંપતો, અને તુરત સહુ દોડતાકને છેક શેઢા સુધી દૂર ભાગી જતા. લાંબી વાટ સળગતી સળગતી ટોટા સુધી પહોંચે અને સ્ફોટક પદાર્થને સ્પર્શે કે તુરત કાન ફાડી નાખે એવો ધડાકો થતો અને ચિરાડ પડેલા પથ્થરના મોટા મોટા ટુકડા ઊંચે ઊછળતા; સાથે ધુમાડાના ગોટેગોટા બહાર આવતા, ફૂટેલા દારૂની અણગમતી વાસ પણ ફેલાતી અને શેઢા નજીક ટોળે વળેલાં લોકો આ ‘ગંધારી બદબૂ’ ટાળવા નાક આડે કપડાના ડૂચા દાબીને કૂવો ફોડવાનો આ નવતર કીમિયો અવલોકી રહેતાં.

જેટલું નવતર આ પાતાળ-સરવણી ખોદવાનું દૃશ્ય હતું એથી ય વધારે આકર્ષક તો આ બે પિતરાઈઓ વચ્ચે જામેલી નવી ભાઈબંધીનું દૃશ્ય હતું.

હજી ગઈ સાલ જ વાવણીને પ્રસંગે ગોબર-માંડણ વચ્ચે આ ખેતરોમાં જ ચકમક ઝરી ગયેલી. ગોબરના જોરૂકા હાથની એક જ અડબોથે માંડણને લોહીનો કોગળો કરાવી નાખેલો, અને અનાજની વાવણીની જોડાજોડ વિષનાં પણ વાવેતર થઈ ગયેલાં. પછી શાદૂળને કારણે બે પિતરાઈઓ વચ્ચેનું અંતર વધતું જ ચાલેલું પણ એવામાં એક વિચિત્ર અકસ્માતે આ ભંગાણ સાંધી આપેલું.

ગિરનાર પર વેરસીએ ગોબર પર ઉગામેલો ઘા માંડણે આડેથી ઝીલીને બન્ને કુટુંબો વચ્ચેનાં સઘળાં વેરઝેર નષ્ટ કરી નાખેલાં. માંડણને હાડોહાડ ધિક્કારનાર સંતુને મન આ માણસ હવે ભગવાનથી ય અદકો ભલો લાગતો હતો. પોતાના પુત્રની રક્ષા કરવા જતાં માંડણે એક હાથ ખોયો તેથી એ અપંગ યુવાન પ્રત્યે હાદા