પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
લીલુડી ધરતી
 


‘માંડણિયો ઘાએ ચડીને ઓલ્યાં પારકાં ચૌદશિયાંવના પડખામાં ભરાણો’તો, પણ આ અટાણે કોઈ ખપમાં આવ્યાં ? ઈ તો મગચોખા જ ભેગાં ભળે, ને કોકડાં–કાંકરા એક કોર્યે રઈ જાય.’

એકેક ટોટાનો દારૂ ધરબાતો હતો અને શ્રાવણ મહિને ય ધોમ ધખતા તાપમાં ગોબર ગાળમાટીથી ખરડાઈને અને પરસેવે રેબઝેબ થઈને કૂવામાંથી રાંઢવું ઝાલીને બહાર નીકળતો હતો એ દૃશ્ય જોઈને ડાહ્યા માણસો જૂની લોક–કહેવત ટાંકતાં હતાં :

‘કડવી હોયે લીમડી, શીતળ એની છાંય;
બાંધવ હોયે બાખડા, આખર પોતાની બાંય...’

ધરબેલી સુરંગ જેવો અકેક ટોટો ફૂટતો હતો. લોખંડ જેવી મજબૂત કાળમીંઢની એકેક શલ્યા તૂટતી હતી અને અડખેપડખેની ભેખડમાંથી એકેક સરવાણી વહેવા માંડતી હતી, એ જોઈને સંતુ અકથ્ય આહ્‌લાદ અનુભવતી હતી.

ચાર દિવસમાં તો માંડણની વાડીમાં કૂવામાં કમરબૂડ પાણી ચડી ગયાં. માનવીના પુરુષાર્થને કુદરતે હોંકારો આપ્યો. આખી સીમનાં વાડી−ખેતર વેરાન થઈ ગયાં હતાં, નદીનાળાં સુકાઈ ગયાં હતાં, વાવ−કૂવા ખાલીખમ થઈ ગયાં હતાં, ત્યારે માંડણની વાડીએ ડોકાં દેતું પાણી જોઈને ગામના બીજા ખેડૂતોને ય પોતપોતાની વાડીઓમાં આ રીતે પાતળકૂવા ફોડવાની ચાનક ચડી. જેમનું ગજું નહોતું એમણે ઉછીઉધાર કરીને, કેટલાકોએ તો જીવા ખવાસને ત્યાં ઘરેણાં ગિરવીને પણ, શહેરમાંથી દારૂ અને ટોટા ખરીદવાનું નક્કી કર્યું.

માંડણની વાડીમાં નિર્જળ વાવને સજળ બનાવીને હાદા પટેલ, ગોબર અને સંતુ ત્રણે ય જણાં કૃતકૃત્યતા અનુભવી રહ્યાં. જાણે કે પ૨ભવનું કોઈક લેણું ચૂકવી દીધું. માંડણે અપંગ બનીને ગોબરને બક્ષેલા જીવતદાનનું ઋણફેડન કરી નાખ્યાનો સંતોષ સહુના દિલમાં રમી રહ્યો, અને છતાં આ પરવશ બની ગયેલા પિતરાઈ પ્રત્યે હવે