પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
લીલુડી ધરતી
 


'પણ ઈ હરામખોર હંધાય રોજ ઊઠીને છોકરીને હેરાન કરે, ઈ કેમ કરીને ખમાય ?'

'હવે હેરાન નઈ કરે--'

'ઈ નકટાંવને નાક થોડું છે ?'

'કઉં છું કે હવે ઈ નકટાંવ સંતુને હેરાન નઈ કરે. અમે આણું વાળી લઈએ છીએ.'

'હેં ? શું કીધું ?' ટીહો આ વાત સાચી જ માની શકયો નહી.

'કીધુ કે હવે અમે ઢગ લઈને આવીએ છીએ. આવતી આઠમ મોર્ય—'

'અરે ! પણ તમારે આંગણે તો શોગ છે—'

'શોગબોગ તો હંધું ય સમજ્યા મારા ભાઈ ! આ તો સંસાર છે. એમાં હરખ ને શોક મગચોખા જેવાં ભેગાં ભળી ગ્યાં છે.'

'પણ પરબતભાઈનો ઘા તો હજી વીસમ્યો નથી, એમાં આણું કરવાનું—'

'ભાઈ જુવો, આપણે સંસારી માણસે તો હંધાંય કામ કરવાં પડે. તે દિ’ ઈગિયારસની સાંજે ઓસરીમાં પરબતની નનામીને ઢાંકી રાખીને વાવણાં કરવા જાવું પડયું'તું ને ?'

'હા, ઈ વન્યા બીજો છૂટકો જ નો'તો.'

'હાંઉં', તો હવે આ કામમાં ય બીજો છૂટકો જ નથી. એટલામાં સમજી જાવ, ટીહાભાઈ !'

સાંભળીને ટીહો એટલો તો પુલકિત થઈ ગયો કે લાગણીવશ અવાજે બોલવા લાગ્યો.

'તમે માનશો વાત, ઠુમર ? મને તો આજ વરહ દિ’થી મનમાં થ્યા કરતું’તું કે તમારા ઘરનું માણહ હવે તમારા જ ઘરમાં પગ વાળીને બેસે તો સારું. પણ ગઈ સાલ તો આખું વરહ તમારા ઘરમાં મંદવાડ હાલ્યો, એમાં મારાથી બોલાય એમ