પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ તેરમું
ઠાકરદુવારે

‘આ વેળુ પિલ્યે તેલ ન નીકળે.’ એમ વિચારીને, ઠકરાણાં પાસેથી ન્યાય મેળવવો વ્યર્થ છે એમ મનમાં ગાંઠ વાળીને ઘર ભણી પાછા ફરતાં ફરતાં પણ રઘો પેલા અણધાર્યા પ્રકોપનું કારણ શોધવા મથી રહ્યો હતો. શા માટે ઠકરાણાં ભઠી પડ્યાં ? પેલો ભેદી ખુંખારો સંભળાયો એ કારણે ? હું એ અવાજ સાંભળી ગયો એ કારણે ? કોનો હશે એ ખુંખારો ?

રઘાના મનમાં શંકાઓ ઘેરાવા લાગી, પોતે સાંભળેલા ખુંખારાનો અવાજ કઈ પરિચિત વ્યક્તિનો હોઈ શકે એ પારખવા પ્રયત્ન કર્યો. તખુભા દરબારનો તો એ સાદ નહોતો જ. દારૂના બાટલા ઢીંચી ઢીંચીને ગરગરાટી બોલાવતો ને ત૨ડાઈ ગયેલો તખુભાનો ખુંખારો હું ન ઓળખું ? તો પછી ખુંખારનાર અજાણ્યો છતાં ઓળખીતો કેમ લાગ્યો ?... હા, એક પંચાણભાભો આવે સાદે ખુંખારે ખરો. પણ ઈ તો કે’દુનો લાકડાં ભેગો થઈ ગયો. તો પછી પંચાણભાભા જેવો જ સાદ ક્યાંથી સંભળાણો ?

ઘેર પહોંચતાં સુધીમાં તો રઘાના વિચારક્રમણમાં એક ચિનગારી જેવો સંશય ઝબકી ગયો. ઈ સાદ સાચોસાચ પંચાણભાભાનો તો નહિ હોય ? ડોસો મરી ગયો, મરી ગયો એમ વાત હાલે છે, પણ હજી જીવતો તો નહિ હોય ? જીવલા ખવાસનું ભલું પૂછવું ! ઠકરાણાંએ કાંઈક ત્રાગડો રચ્યો હોય. સમજુબા તો સાત ભાયડાને ભાંગીને ભગવાને એક બાયડી ઘડી હોય એટલી પહોંચવાળી છે.