પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ ચૌદમું
આઠ ગાઉ આધી કાઢો

સંતુની ચીસ સાંભળીને ચોરામાં એકઠી થયેલી આખી મેદની ચોંકી ઊઠી. આ અણધાર્યા પરિણામે થોડી ક્ષણ તો વાતાવરણમાં સોપો પાડી દીધો.

ગામના મોવડી તરીકે આ કિસ્સાના ન્યાયાધીશ બનેલા મુખી સંતુના સડસડી ગયેલા હાથ જોઈને સ્તબ્ધ થઈ ગયા. પરપીડનવૃત્તિથી પ્રેરાઈને આ આખું કૌભાંડ ઊભું કરનાર જીવો ખવાસ પણ આ કમકમાંપ્રેરક દૃશ્ય જોઈને થોડી વાર તો કંપી ઊઠ્યો.

ફણફણતા તેલના અગ્નિદાહનો સ્પર્શ થતાં જ સંતુના હાથમાં એવી તો અસહ્ય વેદના ઊઠી હતી કે એના મોઢામાંથી આપોઆપ કાળું બોકાસું નીકળી ગયું અને તુરત આંખે અંધારાં આવી જતાં એ લથડિયું ખાઈ રહી હતી ત્યાં જ બાજુમાં ઊભેલી ઊજમે એને ઝીલી લીધી. એના ફડફોલી ઊઠેલા લાલચોળ હાથનાં કાંડાં જોઈને ઘણું ય લોકોના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ.

ઠાકરદુવારના ધર્મસ્થાનકમાં જ ધર્મના નામે જે પાખંણ્ડલીલા ભજવાઈ ગઈ એ જોઈને વહેલી પરોઢથી રામધૂન મચાવી રહેલા રધાની આંખમાંથી બોર જેવડું આંસુ ખર્યું.

પાષાણ હૃદયના જીવાએ સંતુના માસૂમ ચહેરા પર ઊપસી આવેલી વેદના વાંચી, પણ રઘાની જેમ અનુકમ્પા આંસુ સેરવવાનો શોખ એને પાલવે એમ નહોતો. તેથી જ એણે એકાદ ક્ષણ અરેરાટી અનુભવીને તુરત પોતાના અંતરમાં ફૂટતી અનુકમ્પાનો પ્રતિકાર