લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
લીલુડી ધરતી-૨
 

 ‘ભાઈ ! આમાં તો કાંઈ કહેવાય નહિ. આજ વરહ દી થ્યાં શાદૂળિયો ને સંતુ ફજેતફાળકે ચડ્યાં’તાં. કિયે છ કે સંતુને શાદૂળિયે ઓલી હૉકીસ્ટીક આપી રાખી છે. બેય જણાં વચ્ચે કાંઈક તો ખરું જ ને ? સાવ દેવતા સળગ્યા વિના ધુમાડો થોડો દેખાય !’

‘ને એમાં ક્યાંક ગોબરિયો આડો આવ્યો હોય તો એનો કાંટો કાઢી ય નાખવો પડે. અસ્તરી-ચરિતર તો આપણે ક્યાં નથી જાણતા ?’

‘ને આ કાસમ કિયે છે એમ વાવ ખોદવાને બહાને બે ય જણા દારૂ જ ઢીંચતા હશે. આંયાંકણે વગડામાં કોણ ભાળવાનું હતું ? આ તો કાસમે મોઢું સૂંઘ્યું તંયે ખબર પડી.’

‘અલ્યા પણ આપણા ગામમાં દારૂ આવ્યો ક્યાંથી ?—’ કોઈએ પૃચ્છા કરી.

‘કેમ ભલા ? તારે પીવો છ ? વિચાર થઈ ગ્યો છ ?’

‘ના ના; આ તો અમથું પૂછું છું—’

પેલા જાણકારે હળવે રહીને બાતમી આપીઃ ‘આટલા દી તો શાપર ગ્યા સિવાય ક્યાંય દારૂ જડતો જ નહિ. પણ હવે મૂળગર બાવે ખાનગીમાં વેચવા માંડ્યો છે—’

‘અરરર ! ઈ અતીતનો દીકરો ઊઠીને આવા ધંધા કરે છે ?’

‘બીજું શું કરે બિયારો ? આઠે ય પૉર બીડિયુંનાં ભૂંગળાં વાળે કાંઈ છોકરાં છાશ્ય ભેગાં થોડાં થાય ? તી હવે ઈ શાપરથી શીહા લઈ આવે છે, ને ઘેરબેઠાં આ માંડણિયા જેવાને આઠ આઠ આને ડબલું ભરી દિયે છે—’

દોડતી ઝડપે છતાં ગોકળગાયની ગતિએ જ આગેકૂચ કરી રહેલો રઘો આખરે ખોડીબારામાં પ્રવેશ્યો. એને પગલે પગલે જ વલ્લભ મેરાઈ હાથમાં પેટ્રોમેક્સ લઈને આવી પહોંચ્યો. અને પેટ્રોમેક્સની પાછળ ગામમાં બાકી રહેલાં માણસોની ઘીસત પણ આવી પહોંચી.

હાથમાં પેટ્રોમેકસ લઈને જ વલ્લભ કોસમાં બેસીને કૂવામાં