પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
લીલુડી ધરતી-૨
 

 ઊજમ તેમ જ હરખ બન્ને સમજી ગ્યાં કે આ તો હજી ગઈ કાલે કે જ વાજતેગાજતે શ્રીનાથજીની જાત્રાએ ઉપડેલાં અજવાળીકાકી ને એમની જડાવની જ વાત છે.

‘મા !...મા ...’ સંતુએ ચીસ પાડી.

‘હં...મા ! હું આંયાકણે જ છું.’ હરખે પુત્રીના શરીર પર હાથ પસવાર્યો.

મોઢિયા દીવાના આછા ઉજાસમાં ઊજમે સંતુના મોં તરફ જોયું તો એની મુખરેખાઓ વાટે આંતરવેદના વ્યક્ત થઈ રહી હતી.

ખડકી બહાર ડાઘિયો ભસ્યો.

‘કૂતરો મૂવો ગંધીલો કાંઈ ગધીલો ! સોનીફળિયું મેલીને હવે આ ખડકીએ આવ્યો !’ વિચક્ષણ વખતી બોલી, ‘મૂવાથી કાંઈ અજાણ્યું જ ન રિયે ને !’

‘સોનીફળિયે હવે એને રોટલો નાખનારું કોઈ રિયું નંઈ, પછી તો આણી કોર્ય આવે જ ને ?’ કહીને ઊજમ ચોંપભેર રાંધણિયા તરફ જતાં બોલી : ‘લાવ્ય, વાળુનો રોટલો વધ્યો છે ઈ ડાઘિયાને નાખતી આવું તો આંગણે ગોકીરો કરતો આળહે—’

ડાઘિયાને રોટલો નીરીને ઊજમ પાછી આવી ત્યારે કાબરીએ ફરી વિચિત્ર અવાજો કરવા માંડ્યા હતા, તેથી એણે વખતીને કહ્યું :

‘વખતીકાકી ! આ કાબરી તો જુવો, કામ ટાણે કૂદાકૂદ કરવા મંડી છે ! જુઓ તો ખરાં, કાંઈ એરૂબરૂ આભડ્યો હોય નહિ !’

‘આને તો એરૂ ય નથી આભડ્યો ને બેરૂ ય નથી આભડ્યો !’ વખતીએ કાબરી નજીક જઈને કહ્યું.

‘તયે આટલાં હીંહોરાં શેનાં નાખે છે !’

‘એને ચ અટાણે સંતુ જેવું ટાણું છે.’

‘હેં ? સાચે જ ?’

‘હા, બરકો ઝટ ધનિયાને.’ કહીને વખતીએ જ બહાર ફળિયામાં બેઠેલ હાદા પટેલને મોટે સાદે સંભળાવ્યું.