પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તમાશો
૨૪૭
 


તો જુવો, ગોબર જેવા જીવ ઊગ્યા ભેગા જ આથમી જાય, અને આ ઓઘડિયા જેવા કેમે ય કર્યા મરે જ નહિ—’

ઓઘડે તો આવતાંની વાર રતનિયા અને ચમેલી જોડે અટકચાળા કરવા માંડ્યા. એણે વાંદરીના હાથમાં બીડીનું ઠુંઠું મૂક્યું અને વાંદરીએ મોઢામાં મૂકીને થૂંકી નાખ્યું, એ જોઈને પ્રેક્ષકો ખડખડાટ હસ્યાં.

વાદીની રમત જોવા આવેલાંઓમાં એકને બદલે બબ્બે ગાંડાં માણસની ઉપસ્થિતિને પરિણામે આખી રમતનો રંગ બદલાઈ ગયો.

ચમેલીએ ફેંકી દીધેલું બીડીનું ઠૂઠું પાછું ઊંચકી લઈને ઓઘડે પોતાના બોખલા મોઢામાં મૂકી દીધું અને બેધડક ચાવી ગયો; એ જોઈને ભારે રમૂજ ફેલાઈ ગઈ. ખુદ સંતુ પણ ઓઘડનું આ ગાંડપણ જોઈને હસી રહી એથી પ્રેક્ષકોને બમણું હસવું આવ્યું.

સંતુની આમ છડેચોક હાંસી થઈ રહી છે એ જોઈને હરખને ક્ષોભ થયો, ઊજમને પણ આમાં હીણપત જેવું લાગ્યું. પણ હવે ખરી રંગત જામી હતી ત્યારે સંતુને અહીથી ઘેરે લઈ જવાનું મુશ્કેલ હતું, તેથી એણે ભચડાને વિનંતિ કરી :

‘એલા હવે ઝટ રમત્ય પૂરી કર્ય ની, અમારે અહૂરું થાય છે.’

‘હજી ખરાખરીના ખેલ તો બાકી છે, ઊજમભાભી !’ ભચડાએ કહ્યું. ‘હજી તો રતનિયો પૂરું નાચ્યો છે જ ક્યાં ? પછી ચમેલી નાચશે, ને એના પછી આ મારી છોકરી ચમેલી પેટીમાં પુરાશે—’

‘ઈ હધું ય ઝટ પતાવ્ય, મારા ભાઈ !’

ભચડે હવે ડુગડુગી બાળકીના હાથમાં આપી અને પોતે રીંછ જોડે ઝપાઝપીમાં ઊતર્યો.

કોઈ કોઈ ક્ષણે ભચડો જીવસટોસટ ખેલ કરતો હતો. પ્રેક્ષકોના શ્વાસ જાણે કે થંભી જતા હતા. માત્ર સંતુને અને ઓઘડને આવી ક્ષણોએ આહ્‌લાદક અનુભવ થતો હતો અને તેઓ અવાક્ બની જવાને બદલે બેફામ હસતાં હતાં.