પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ક્યાં ગઈ મારી ચમેલી ?
૨૫૧
 


રહેતી હતી : એલી અમથી ! તને તારો ખોવાયેલો છોકરો જડી આવ્યો, એમ મને કેમ જડતો નથી ? બોલ્ય ની, તને ક્યા દેવ ફળ્યા છે ? તેં કોની માનતા માની હતી ? શી માનતા માની હતી ? તને સતીમા ફળ્યાં છે ? સતીમાની માનતા તો મેં ય માની હતી – છત્તર ચડાવવાનું તો મેં ય મનમાં નક્કી કરી રાખ્યું હતું, તો ય મને મારો ગિરજો કાં નથી જડતો ?

સંતુની આ પૃચ્છક નજરને વખતી ઝીણવટથી અવલોકી રહી. સંતુની આંખમાં શો પ્રશ્ન રહેલો છે એ વખતીની અનુભવી આંખને ઓળખતાં વાર ન લાગી. એણે પોતાની લાંબી આવરદામાં આવા અનેક કિસ્સાઓ જોયા હતા. પોતાના વિશિષ્ટ વ્યવસાયને કારણે એ અસંખ્ય માતાઓના પરિચયમાં આવી હતી. માતૃત્વ ઝંખતી માતાઓ, માતૃત્વથી ત્રાસી ગયેલી માતાઓ, મૃતવત્સાઓ, ઈર્ષાળુ સ્ત્રીઓ, પોતાનાં સંતાનો ઉપર ન્યોછાવર કરી જનારી માતાઓ, પોતાના સંતાનોને તિરસ્કારનારી અને પારકાં જણ્યાંઓ પર પ્રેમ વરસાવનારી માતાઓ, પારકાં સંતાનોને ચોરી જનારી કે એકબીજાનાં સંતાનોના સાટાપાટા કરી નાખનારી માતાઓ... વખતીએ માનસશાસ્ત્ર કે મનોવિશ્લેષણનો કશો વ્યવસ્થિત અભ્યાસ નહોતો કર્યો, પણ એનો વ્યવસાય જ મોટી શિક્ષણશાળા બની રહેલો. માતા અને સંતાન સબંધના અપરંપાર કિસ્સાઓ એની અનુભવી આંખ તળેથી પસાર થઈ ગયા હતા.

અલબત્ત, આ લાંબા વ્યવસાયને પરિણામે વખતીના હૃદયની સૂક્ષ્મ લાગણીઓ જરા બુઠ્ઠી થઈ ગઈ હતી. વ્યવસાયી તબીબની જેમ એનામાં પણ થોડી પરલક્ષિતા અને દરદીના સુખદુઃખથી અલિપ્તતા આવી ગઈ હતી. લાંબી કારકિર્દીની કામગીરીએ આ વૃદ્ધામાં લાગણની થોડી નીંભરતા પણ સરજી હતી, પ્રસૂતિના કોઈ કરુણ પ્રસંગે કારમી રોકકળ મચી જાય ત્યારે પણ વખતીનું તો રુવાંડું યે ન ફરકે. તેથી જ એનો સ્વભાવ ઉગ્ર અને આખા-બોલો