પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કયાં ગઈ મારી ચમેલી ?
૨૫૫
 

 વાદી મૂંઝાઈ ગયો. રોટલા અને રોકડનું ઊઘરાણું કરવાને સમયે જ આ વિઘ્ન કયાંથી આવી પડ્યું ? તરત એણે સમયસુચકતા વાપરી અને ખેલ અરધેથી જ આટોપી લીધો.

જોસભેર ડુગડુગી વગાડીને ભચડાએ પ્રેક્ષકોનું ધ્યાન સંતુની દિશામાંથી ચમેલીવાળી પેટી તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. ફરી, અદકા જોસભેર ડુગડુગી વગાડીને એ પેટીના ઢાંકણા નજીક મોં લઈ જઈને બોલી રહ્યો : ‘ચમેલી | ચમેલી !’

અંદરથી અવાજ આવ્યો : ‘બોલ રતનિયા ! બોલ રતનિયા !’

વાદીએ પૂછ્યું : ‘તું જીવતી છો કે મરી ગઈ ?’

‘જીવું છું; જીવું છું !’

પણ આ સંવાદ સાંભળવા માટે સંતુ એની મૂર્છામાંથી હજી જાગી નહોતી; એ તો હજી પણ બેભાન બનીને હરખના ખોળામાં સૂતી હતી. ઊજમ પોતાના સાડલાના છેડા વડે એને હવા નાખતી હતી, અને વખતી નજીકની એક ખડકીમાંથી પાણીનો કળશો ભરવા ગઈ હતી.

મુખી ફરી ભચડાને ધમકાવવા લાગ્યા હતા : ‘ખબરદાર, હવે ગામમાં આવીને આવી બીકાળવી રમત રમ્યો છો તો ! ઝાંપામાં પગ નહિ મેલવા દઉં—’

આ અણધારી ઘટનાથી અને મુખીના ઠપકાથી ગભરાઈ ગયેલા ભચડાએ જેમતેમ બોદી ડુગડુગી વગાડીને પેટીનું ઢાંકણું ઊંચક્યું અને અંદરથી હસતી ચમેલી ઠેકડો મારીને બહાર કૂદી પડી.

આ ક્ષણે તાળીઓના પ્રચણ્ડ ગગડાટ થવા જોઈએ, એને બદલે પ્રેક્ષકો ફરી સંતુ તરફ તાકીને શાંત ઊભાં રહ્યાં, તેથી ભચડાનો રહ્યોસહ્યો ઉત્સાહ પણ ઓસરી ગયો. એને આ પરાકાષ્ઠાની યાદ આપવી પડી : ‘લડકે, તાલિયા બજાવ !’ ત્યારે જ આજ્ઞાંકિત જેવાં ટાબરિયાંઓએ સાવ બોદી તાળીઓ પાડી. પણ સંતુ તો, પેટીમાંથી હેમખેમ નીકળેલી અને હવે નાચતી–કૂદતી પોતાના મેલા ઘાણ