પહેરણની જાળમાં પાઈ પૈસા ઉઘરાવી રહેલી ચમેલીને નિહાળવા ય જાગી નહોતી.
મોટેરાંઓ પાસેથી રોકડ નાણું ઊઘરાવાઈ રહ્યું એટલે નાનાં બાળકોને ભચડાએ હુકમ કર્યો : ‘છોકરાવ | ઘેરે જઈને રોટલો ન લઈ આવે એને એની માના સમ !’
અને આવી ઘોર ધમકી સાંભળીને છોકરાઓનું ટોળું જાણે કે ફરરર કરતુંક ને પોતપોતાનાં ઘર ભણી ઊડ્યું.
સંતુ શુદ્ધિમાં આવી અને આંખ ઉઘાડી ત્યારે ભચડો એના ગુણપાટના કોથળામાં રોટલાના ટુકડા ભરી રહ્યો હતો.
‘ક્યાં ગઈ મારી ચમેલી !’ સંતુએ ચીસ પાડીને પૂછ્યું.
‘આ ઊભી !’ વાદીએ કહ્યું. ‘આ ઊભી તમારી નજર સામે જ, સાજી ને નરવી...’
‘ઈ નઈં...ઈ નઈં...’ સંતુ કરગરી રહી. ‘સાચું બોલ્ય ની, ક્યાં ગઈ મારી ચમેલી ?’
ભચડો આ ગાંડપણ સમજી શક્યો નહિ. પણ સંતુને ઓળખનારાંઓ આ લવરી સાંભળીને હસી પડ્યાં.
‘ઉઘાડ્ય ઓલી પેટી !’ સંતુએ હુકમ કર્યો.
વાદીએ ઢાંકણું ઉઘાડ્યું અને પેટી ખાલીખમ દેખાઈ, એટલે સંતુ અત્યંત અસહાય અને આર્ત અવાજે ૨ડી પડી ને કરુણ વદને માત્ર ભચડાને જ નહિ પણ હાજર રહેલા એકેએક માનવીને, સમગ્ર સમાજને, જાણે પૂછી રહી :
‘કોઈ કિયોની મને, ક્યાં ગઈ મારી ચમેલી ?’