પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
२૭૪
લીલુડી ધરતી-૨
 

 નથી પડ્યું. મારે તો દરબારને સ્થાને એક ખવાસને ગોઠવીને, પતિ હજી હયાત છે એવું છળ રમવું પડ્યું છે. અરે, મારા કરતાં તો ઊજમ નસીબદાર છે, કે એણે અદૃશ્ય બનેલા પતિનું પણ અડદનું પૂતળું બાળી નાખીને એની અંતિમ ક્રિયા કરી નાંખી અને નિખાલસપણે પોતિનું વૈધવ્ય જાહેર કરી શકી... અને સંતુ ?...

***

ઠકરાણાં પોતાના કરમને જ દોષ દઈ રહ્યાં. વિધિની વક્રતા તો જુઓ ! નિઃસંતાન સંતુએ પારકા સંતાનને પોતાનું કર્યું અને એ સુખી થઈ ગઈ; એનું ગાંડપણ ચાલ્યું ગયું ને ઘરમાં આનંદમંગળ વરતાઈ રહ્યાં. સંતુએ તો જાહેર રીતે હસતે મોંએ પારકા જણ્યાને પોતાનું કર્યું, ને એમાં એણે ધન્યતા અનુભવી. મેં ગુપ્ત રીતે, છળકપટ કરીને પારકા સંતાનને મારું કરીને સ્થાપ્યું, પણ નસીબમાં એ ન સમાયું.

સંતુના કિસ્સામાં શાર્દૂળનું નામ સંડોવાયેલું ત્યારથી જ સમજુબાએ એ યુવતીને દાઢમાં રાખેલી. જીવા ખવાસની સહાયથી એને હેરાનપરેશાન કરવામાં કશું જ બાકી નહોતુ રાખ્યું; અને છતાં આજે પોતાના કરતાં એ ગરીબ શ્રમજીવી વધારે સુખી ને સદ્‌ભાગી લાગતાં સમજુબા પોતાના જીવનની ભયંકર વિફળતા નિહાળી રહ્યાં.

ગુંદાસરમાં બે માતાઓનું સંતાનસુખ સમજુબાને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું હતુ : એક અમથીનું, ને બીજું સંતુનું. રખડતી માગણને વેશે અમથીએ ગામમાં આવીને પોતાના પેટના જણ્યા ગિરજાપ્રસાદનો કબજો લઈ લીધો ત્યારે શાદૂળની એ સાચી જનેતાને ઠકરાણાં સુખે રહેવા નહિ દે, બન્ને વચ્ચે ચકમક ઝરશે, સંભવત : સમજુબા આ સુથારણનું જડાબીટ કાઢી નાંખશે, ગામમાંથી રાતોરાત ઉચાળા ભરાવશે, એવી જાણકારોની દહેશત હતી. પણ અમથી પાસે જે ગુપ્ત ખજાનામાં અઢળક સોનું હતું તે જોઈને