પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨
લીલુડી ધરતી–૨
 

 ગામ આખાની જન્મોત્રી ઉખેળીને બેઠો છે, એના કરતાં ભગવાનનું નામ લે કે કાંઈક ધરમધ્યાન કર્ય તો કાયાનું કલ્યાણ થાય.’

‘આ અજવાળીકાકી મોટી જાતરાએ જઈને ધરમ કરી આવ્યાં પછી મેં ધરમ કરવાનું માંડી વાળ્યું છે.’ ધનિયાએ દાઢાવાણી ઉચ્ચારી. જાતરાં કરતાં અજવાળીકાકીએ શું કર્યું’તું ઈ સાંભળ્યું તમે ? કિયે છ કે તરવેણીજીને કાંઠે ના’વા બેઠાં તંયે અજવાળીકાકીએ જાણી જોઈને એની જડાવને ધક્કો મારીને નદીમાં નાખી દીધી’તી.

....સગી મા ઊઠીને દીકરીને આમ ડુબાડી દિયે એવું સાંભળ્યું છે ક્યાંય મલકમાં ?’

‘પણ જડી તો જાતરાએથી જીવતી આવી છે ને ?’ ઊજમે શંકા ઉઠાવી.

‘ઈ તો જડીનાં નસીબે જોર કર્યું, એટલે અજવાળીકાકીએ એને ધક્કો માર્યો, ઈ ભેગી જ એક ચોબાની નજર ગઈ, ને ઈ વાંહોવાંહ પાણીમાં પડ્યો, ને જડીને જીવતી કાંઠે લઈ આવ્યો–આ આપણા ઓઘડિયા ભૂવાને આજે ઓલ્યાં વાઘરાંવે જીવતો કાંઠે કાઢ્યો, એમ જ—’ કહીને ધનિયાએ ઉમેર્યું , ‘ના રે બાપુ ! મારે આવા અજવાળીકાકી જેવા ધરમ નથી કરવા. મારો તો ડોબાં આઢવવાનો અવતાર. હું તો ઢોર હાર્યે ઢોર થઈને જીવું. ધરમધ્યાન સોંપ્યાં અજવાળીકાકીને.’

‘એલા ધનિયા ! તું હવે ગામ આખાની ખણખોદ કરતો ઊભો થાશે કે પછી ખાટલો ઊભો કરી મેલું ?’

‘આ ઊઠ્યો, લ્યો !’ કરીને ધનિયો ઊભો થયો.

ડેલી બહાર નીકળતા ધનિયાને ઊભો રાખીને હાદા પટેલે પૂછ્યું : ‘કોઈ મૂલી, મજૂર, ઊભડ તારા ધ્યાનમાં છે ? આપણે ઓણ સાલ સાથી રાખવો છે—’

‘આ અટાણે વાવણાં ટાણે કોણ જડે ? ઊભડ, મૂલી, મજૂર, હંધાય અટાણે તો મોંઘા—’

‘મોંઘા કે સોંઘા, કોઈ જડે તો વે’મ રાખજે—’

‘ભલે, બાપા !’ કહીને ધનિયો ગયો.

*