પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.પ્રયોગને અંતે


કથાના છેલ્લા પ્રકરણ સુધી પહોંચી શકનાર વાચકોને અનુલક્ષીને બે શબ્દો લખવાનું મન થાય છે. પુસ્તકના બન્ને ભાગના છાપેલા ફરમા ઉપર ઊડતી નજર નાખતાં એક પ્રકારનું અકળાવનારું આશ્ચર્ય અનુભવી રહ્યો છું. નજર સામે આ છાપેલાં પૃષ્ઠો પડ્યાં છે; એકાદ વર્ષથી ગજવામાં સંઘરાતાં જતાં આ કથાના વસ્તુ અંગેનાં મેલાં ટાંચણપાનાંનો થોકડો પડ્યો છે. એમાં કેટલીક ઘટનાઓની સંકલના, પ્રસંગો, પાત્રોની નામાવલિ વગેરેની આજે સાવ અસંબદ્ધ જેવી લાગતી વિગતો ટપકાવેલી પડી છે. ભવિષ્યમાં આ કથાને કઈ દિશામાં આગળ વધારવી, કયાં નવાં પાત્રો દાખલ કરવાં, કયાં જૂનાં પાત્રોના અપૂર્ણ લાગતા જીવનપ્રવાહનું સમાપન કરવું, એની મને પોતાને જ અતિ મહત્ત્વાકાંક્ષી લાગતી ઝીણી ઝીણી વિગતો લખેલી પડી છે અને આ સામગ્રીની સામે જાણે કે કટાક્ષરૂપે, છેલ્લા એકાદ વર્ષથી વાચકો તરફથી આવ્યા કરતા પત્રોની ખાસ્સી થપ્પી પડી છે. પરિચિત અને અપરિચિત, નજીકનાં અને દૂરનાં, ‘ઉન્નત–ભ્રૂ’થી માંડીને ‘મધ્યમ–ભ્રૂ’ અને ‘નત–ભ્રૂ’ સુધીનાં શિક્ષિત–અર્ધશિક્ષિત, ગુજરાતી–બિનગુજરાતી, લેખકો, વેપારીઓ, ગુમાસ્તાઓ, શરાફો, ઇજનેરો, વગેરે વિધિ વ્યવસાયના વાચકોએ લખેલા, ભરપૂર પ્રશંસા અને અસીમ અહોભાવથી ભર્યા, નારાજી વ્યક્ત કરતા, કથામાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્ષતિઓ બતાવતા, અમુક પ્રસંગાલેખન બદ્દલ ઉશ્કેરાટભર્યો રોષ વ્યક્ત કરતા, ‘તમને તો