પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
લીલુડી ધરતી-૨
 પડતું છે, કારણ કે વાર્તાનું મુખ્ય પાત્ર મરી જાય એટલે વાર્તામાં ૨સ એાછો થઈ જાય છે. તમારે એને મારી નાખવો જોઈતો ન હતો. બિચારા હાદા પટેલ ત્રણત્રણ છોકરાં છતે નિર્વંશ થઈ ગયા અને આટલી મોટી ઉંમરે ગોબરનું આવું અકાળ અવસાન થતાં એમને કેટલો આઘાત લાગ્યો હશે તેની તો કલ્પના જ થઈ શકતી નથી. તમોએ ગોબરને બચાવી લીધો હોત તો વધુ સારું થાત. ખેર, છેલ્લાં બે પ્રકરણ વાંચીને મને એટલો આઘાત લાગેલ કે બન્ને ગુરુવારે કાંઈ કામ કરવાનું સૂઝતું ન હતું–મગજમાં એ જ બાબત ચક્કર લીધા કરતી હતી…’

વાર્તા–નવલકથા આખરે તો કલ્પક સાહિત્યપ્રકાર છે. બધું જ કલ્પિત, કૃત્રિમ હોય છે, છતાં એ કલ્પનાસૃષ્ટિની જે વાસ્તવિકતા અથવા તો કૃત્રિમતાની પણ જે સચ્ચાઈ–હોય છે એ એનાં પાત્રો સાથેની આત્મીયતા પ્રેરે છે. એવી આત્મીયતાનો એક રસિક અનુભવ શ્રી. નંદલાલ લક્ષ્મીચંદ નામના ભાઈએ કરાવેલો. એમણે લખેલું :

‘…આજથી વાર્તા વાંચી. આખરી અંજામ આજે ઘણો જ ખરાબ આવ્યો ગણાય. માંડણને વિલનનું કામ સોંપ્યું એ ભલે, પરંતુ આવતે અઠવાડિયે ગોબરને એ ખાડામાંથી ઘાયલ સ્થિતિમાં જીવતો કાઢશો. ભલે થોડો ટાઈમ મોટા શહેરના દવાખાના સુધી જવું પડે. પણ માંડણિયાની જે ખરાબ મુરાદ છે કે સંતુને ઘરમાં બેસાડવી–જેથી એણે આ કુકર્મ કર્યું — છતાં એને આ વખતે લાભ ન મળે અને સંતુનું અખંડ સૌભાગ્ય કાયમ રહે, એટલે કે ગોબર જીવતો રહે, એમ કરજો. જોકે તમે તેનો છુટ્ટો હાથ બહાર ફેંકાઈ ગયો એમ લખો છો, તેનો અર્થ એ થયો કે એ ઠૂંઠો થઈ ગયો. પણ હજુ જીવ હોય અને સારી ટ્રીટમેન્ટથી પાછો સાજો થઈ જાય તો આટલું કામ જરૂર કરશો. બાકી તમારી વાર્તા સૌ ભાઈયું હોંશથી વાંચીએ છીએ…’