પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
લીલુડી ધરતી–ર
 

 મેલડી માતાને ઝનૂનપૂર્વક હુહુકાર કરતાં જોઈને કેટલાંક લોકો તો પૂજ્યભાવથી ને બાકીનાં કેટલાંક ભયપ્રીતથી પ્રણિપાત રહ્યાં. ભાવુક સ્ત્રીવૃન્દે માતાનું સ્તવન કરતાં ધોળ પણ ગાવા માંડ્યાં.

ઓઘડભાભાએ યાચના કરી :

‘મા ! ગામનો એક ગનો માફ કરો.’

‘નઈં કરું... નઈં કરું...’ માતાને વધારે શૂર ચડ્યું.

હવે મુખીની હિંમત હાથ ન રહી. એમણે ઓઘડભાભાને સૂચન કર્યું : ‘ભૂવા ! પૂછો તો ખરા કે કોણે તમને અભડાવ્યાં છે ?... ઠાલો પાડાને વાંકે પખાલીને ડામ દેવાઈ રિયો છ.’

‘મા ! કોણે તમને અભડાવ્યાં ?’ ભૂવાએ સીધો પ્રશ્ન ફેંક્યો.

આખું શ્રોતાવૃન્દ એકકાન થઈને ઉત્તરની રાહ જોઈ રહ્યું.

ઓઘડભાભાએ ફરી પૂછ્યું : 'મા ! ચોખ્ખું ફૂલ નામ પાડી દિયો. કોણે તમને અભડાવ્યાં ?’

‘મારા થાનકને ઠેકનારીએ.’

‘હેં ?’ એક સામટો સહુના મોઢામાંથી શબ્દ નીકળી ગયો.

‘કોણે માના થાનકને ઠેક્યું ?’

‘કોને એની અવળમત સૂઝી ?’

‘કોણ હતી ઈ માથાની ફરેલી ?’

‘માની આણ્ય ઉથાપનારી ઈ અવળચંડી છે કોણ ?’

ભવાનદા પોતે ગભરાઈ ગયા. એમણે વધારે ખુલાસો મેળવવાની ભૂવાને સૂચના કરી.

‘મા તમે તો સાગરપેટાં... ને અમે રિયાં કાળાં માથાનાં માનવી...’ ઓઘડભાભાએ ફરી દીન વદને યાચના શરૂ કરી. ‘કોઈ છૈયુંછોકરું રમત્યરોળાં કરી ગ્યું હોય તો ગનો માફ કરો !’

સામેથી જવાબ મળ્યો :

‘કોઈ છૈયુંછોકરું નો’તું... આ તો પૈણેલી ને પશટેલીએ મારા થાનક ઉપર ઠેક લીધી... હાય રે, મને અભડાવી ગૈ !’