પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લેવો છે સંન્યાસ શિવજીને

લેવો છે સંન્યાસ શિવજીને લેવો છે સંન્યાસ
શિવજી છોડી ચાલ્યા કૈલાસજી
- શિવજીને લેવો છે

ગંગા સાથે પાર્વતીને થઈ ગઈ તકરારજી
કાર્તિક ગણેશ ગુસ્સે થયાં ને કોપી ઉઠ્યાં કિરતાર
- શિવજીને લેવો છે

કૈલાસવાસી કાશી આવ્યા લેવાને સંન્યાસજી
હરતાં ફરતાં પહોંચી આવ્યા ગંગાજીને ઘાટ
– શિવજીને લેવો છે

વાત સુણી વિષ્ણુ દોડ્યા આવ્યાં કાશી મોજારજી
હરિને દેખી હર દોડ્યાં, ભેટ્યાં ભીડી બાથજી
– શિવજીને લેવો છે

પ્રભુએ પૂછ્યું ક્યાંથી પધાર્યાં? કેમ છો ભોળાનાથજી
ગંગા, પાર્વતી, ગણેશ નંદી કેમ નથી કોઈ સાથજી?
- શિવજીને લેવો છે

શરમાઈને શિવજી બોલ્યાં શું કહું પ્રભુ વાતજી
સુખ નથી સંસારમાં, મારે લેવા આવ્યો સંન્યાસજી
- શિવજીને લેવો છે

વ્હાલ કરીને વિષ્ણુ બોલ્યાં કરીને દિલડાંની વાતજી
દુઃખ તમારૂં દૂર કરવા કરશું કૈક વિચારજી
- શિવજીને લેવો છે