પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કહે શિવજી સુણો સ્વામી મારે છે બે નારજી
એક તો માથે ચઠીને બેઠી બીજી આઘે ન જાયજી
-શિવજીને લેવો છે

પાર્વતીને પ્રેમ કરૂં તો ગંગા ગુસ્સે થાયજી
જોર કરીને મારી જટાઓ ખેંચે બીજી ખેંચે રૂંડમાળજી
– શિવજીને લેવો છે

કાર્તિક કેરો મયુર મારો નાગને ખાવા ધાયજી
ઉંદર ભાગે નાગને દેખી, ગણેશ ગુસ્સે થાયજી
– શિવજીને લેવો છે

સિંહ શૂરો પાર્વતીનો ગરજે દિવસ ને રાતજી
મસ્તક દોલે ગણેશજીનું મારો નંદી નાસી જાયજી
– શિવજીને લેવો છે

કોને રીઝવું કોને વારૂં રોજની રમખાણજી
માફ કરોને શ્રી હરિ મને અપાવો સંન્યાસજી
– શિવજીને લેવો છે

મુખ મલકાવી બોલ્યાં વિષ્ણુ સુણો શિવજી વાતજી
હું અને તમે બેઉ સરખા મારે પણ બે નારજી
-શિવજીને લેવો છે

મારાં દુઃખની વાત સાંભળો પછી કરીયે વિચારજી
નહીંતર આપણ બન્ને લઈશું સાથે રે સંન્યાસજી
– શિવજીને લેવો છે

બબ્બે નાર મારે છે પણ એકે ન આવે કામજી
ઘરમાં જાઉં ત્યારે હોય ન હાજર મનમાં મુંઝવણ થાયજી
- શિવજીને લેવો છે