પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વેલ્યું છૂટિયું રે વીરા

વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ
ધોળીડાં બાંધ્યા રે વડને વાંકીએ

ચાર પાંચ સૈયરું રે વીરા પાણીડાંની હાર્ય
વચલી પાણિયારીએ વીરને ઓળખ્યો

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર
બાપની બોલાશે વીરને ઓળખ્યો

વીરા ચાલો રે દખણી બેનીને ઘેર
ઉતારા દેશું ઊંચા ઓરડા

વેલ્યુ છોડજો રે વીરા લીલા લીંબડા હેઠ
ધોળીડાં બાંધજો રે વચલે ઓરડે

નીરીશ નીરીશ રે વીરા લીલી નાગરવેલ્ય
ઉપર નીરીશ રાતી શેરડી

રાંધીશ રાંધીશ રે વીરા કમોદુંનાં કૂર
પાશેર રાંધીશ કાજુ ખીચડી

પાપડ શેકીશ રે વીરા પૂનમ કેરો ચાંદ
ઉપર આદુ ને ગરમર અથાણાં

જમશે જમશે રે મારો માડીજાયો વીર
ભેળી બેસશે રે એક જ બેનડી

ઊંચી મેડી રે વીરા ઉગમણે દરબાર
તિયાં રે ઢળાવું તારા ઢોલિયા